પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
દેશી રાજ્યોનો પ્રશ્ન

પણ દેશી રાજ્યોના કારભારમાં વચ્ચે નહિ પડવાનો ઠરાવ કરીને મહાસભાએ દેશી રાજ્યોની પ્રજાને પાનો ચડાવ્યો છે; બીજા શબ્દોમાં કહીએ તો કુદરતી શક્તિઓને — એટલે કે એ પ્રજામાં પોતામાં જ સુપ્ત દશામાં પડેલી શક્તિઓને — ચાલન આપ્યું છે. તાજેતરમાં બનેલી થોડીક ઘટનાઓમાં એમ દેખાઈ આવ્યું છે કે એ પ્રજાને પોતાની શક્તિનો સાક્ષાત્કાર થયો છે, અને તેણે બહારની કશી મદદ વિના એ શક્તિ વાપરીને સંપૂર્ણ વિજય મેળવ્યો છે. બીજું એક પરિણામ એ પણ આવ્યું છે કે, રાજ્યના સત્તાધીશોએ પોતાની અને પ્રજાની વચ્ચેના કલહનું સમાધાન કરવાને મહાસભાવાદીઓની મદદમાગી છે. મનુષ્ય અજમાવેલી દરેક કાર્યપદ્ધતિની જેમ આને પણ એની મર્યાદાઓ છે એમાં શંકા નથી. મહાસભા ગેરવાજબી માગણી ન કરી શકે. પ્રજાને ખરેખરી ફરિયાદનું કારણુ હોવું જોઈએ, અને તેણે ચોખ્ખે હાથે કામ લેવું જોઈએ. કેમકે સત્યાગ્રહનું સાધન અહિંસા — એટલે કે જે વસ્તુમાં સંપૂર્ણ ન્યાય હોય તે સિદ્ધ કરવાને સારુ વિરોધીને કષ્ટ પહોંચાડ્યા વિના પોતે કષ્ટ સહન કરવું — છે.

દેશી રાજ્યોની પ્રજા માત્ર સત્યાગ્રહનાં એટલે કે અહિંસાનાં પૂર્ણ રહસ્ય અને શક્તિ ઓળખે તો સમગ્ર હિંદુસ્તાન સ્વરાજ મેળવે. તે પહેલાં દેશી રાજ્યોની પ્રજા પોતાની મર્યાદિત સ્વતંત્રતા લઈને બેસી જશે. અને હિંદુસ્તાનને પૂર્ણ સ્વરાજ મળે તે પહેલાં તેમણે — દેશી રાજ્યોની પ્રજાએ — પોતાની સ્વતંત્રતા મેળવવી જ પડશે. દાખલા તરીકે, તેમને અટપટા બ્રિટિશ તંત્ર જોડે કામ લેવું નહિ પડે ને છતાં તેઓ અહિંસક વાણી, લેખન અને વર્તનની પૂર્ણ સ્વતંત્રતા મેળવી શકે.