પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
દેશી રાજ્યો ને પ્રજા

શ્રી. જમનાલાલજી જેવા મહાસભાના તંત્રમાં મોટા હોદ્દાધારી પણ છે. મહાસભાની નજરમાં દેશી રાજ્યોના કે બ્રિટિશ કહેવાતા મુલકના સભ્યો વચ્ચે કશો જ ભેદ નથી. આ સ્થિતિમાં જ્યારે મહાસભા કે મહાસભાવાદીઓ ખાસ કરીને જ્યારે તે પોતે થઈ તે મિત્રદાવે મદદ કરવા તૈયાર હોય ત્યારે તેમની અવગણના કરવી એ ખચીત રાજ્યોના હિતને ધક્કો પહોંચાડનારું છે. તેમણે સમજવું જોઈએ કે તેમની પ્રજા તો ઘણે ભોગે મહાસભાની જ સલાહથી વર્તનારી છે. તેમને એ બીનાની પણ ખબર હોવી જોઈએ કે, આજ દિવસ સુધી મહાસભા જે બિનદખલગીરીની નીતિ પાળતી આવી તેને સારુ હું જવાબદાર રહ્યો છું. પણ મહાસભાની વધતી જતી અસર અને પ્રભાવ જોતાં અને દેશી રાજ્યોમાં ચાલતા જુલમો જોતાં એ નીતિનો બચાવ કર્યે જવો મારે સારુ અસંભવિત છે. જો મહાસભાને લાગે કે અસરકારક રીતે વચ્ચે પડવાની તેનામાં તાકાત છે, તો એવો પ્રસંગ આવ્યે અને સાદ પડ્યે તેવી રીતે વચ્ચે પડવાનો તેનો ધર્મ છે. અને રાજાઓ જો માનતા હોય કે પ્રજાનું ભલું એ તેમનું પણ ભલું જ છે, તો તેમણે કૃતજ્ઞતાપૂર્વક મહાસભાની મદદ માગવી અને લેવી જોઈએ. તેમને દેખાવું જોઈએ કે, બહુ દૂરના નહિ એવા ભવિષ્યમાં જે સંસ્થા તેમની ચક્રવર્તી સંસ્થાની જગા — મારી આશા મુજબ તો મિત્રાચારીભરી પતાવટથી – લેશે એવો રંગ દેખાય છે, તેમની જોડે મિત્રાચારીનો સબંધ કેળવવો એ ખચીત તેમના હિતની જ વાત છે. નગારાં વાગી રહ્યાં છે. તેઓ નહિ સાંભળે ?

સેવાગ્રામ, ૨૮–૧૧–૩૮
હરિજનબંધુ, ૪–૧૨–૧૯૩૮