પૃષ્ઠ:Devanand Swami Lekhan.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દેખ વિચારી દિલમાં તારા દેહને રે

દેખ વિચારી દિલમાં તારા દેહને રે,
નથી રયાનો એક ઘડી નિરધાર રે,
મમતા મોટી ખોટી બાજી ખેલ છે રે,
ભુંડપ કેરો માથે લે મા ભાર રે... દેખ ૧

વરણાગીમાં વડ પેપાની હાર્યનો રે,
ઉપર રાતોમાતો રંગમાં છેલ રે,
ભીતર્ય કાચો ભેખ ધરીને ભૂલવે રે,
ફોગટ ફરતો કરતો કૂડા ફેલ રે... દેખ ૨

આતમ સાધન કાંઈ ન કીધું આળસું રે,
વિષયમાં વીંટાણો બારે માસ રે,
હરિજન સાથે હેત ન કરતાં આવડે રે,
કપટી તારો કોણ કરે વિશ્વાસ રે... દેખ ૩

સૂમ થયો ધન સંચીને ભેળું કરે રે,
મરતાં સુધી ના ખરચે ના ખાય રે,
દેવાનંદ કહે મધમાખી લુંટાય છે રે,
હાથ ઘસીને પામરતું પછતાય રે... દેખ ૪