પૃષ્ઠ:Divadi.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડુંગરિયે દવ : ૧૩૩
 

મૂકવામાં આવે તો એ હાસ્યજનક છતાં સાચું તો ગણાય. લખપતની ટાળીમાં ચાંદ ચાઉસ, મિયાં મલેક, કાનિયો સોની, અભરામ આહીર, ભૂરો ભરવાડ, એભલ કાઠી અને શૂરા ભગત નામે જુદી જુદી કોમના ચુનંદા સરદારો ભેગા થયા, જેમાં પછીથી હીરા અને ગોમી નામની સ્ત્રીઓ પણ ચમકવા માંડી.

બહારવટિયાને સિદ્ધિ મળે છે તેના કરતાં પ્રસિદ્ધિ વધારે મળે છે. એની લૂંટફાટને લોકકલ્પના રંગ ચઢાવે છે, એનામાં હોય ન હોય તો પણ વીરત્વ અને ઉદારતા ઉમેરાય છે, અને એનાં કાર્યો પાછળ ગીત, રાસડા, પવાડા અને દુહાઓ પણ રચાય છે. લખપત દુષ્ટોને જ પારખીને લૂંટતો હતો કે કેમ તેની સાબિતી અદાલતમાં થઈ શકે એમ નથી; અને અદાલત તો લૂંટની વ્યાખ્યા બાંધીને બેઠેલી છે એટલે તે પુરવાર થયેલા દુષ્ટોની લૂંટને પણ ગુનો જ ગણે ! નાક કાપવાને પાત્ર માનવીઓનાં જ નાક લખપત કાપતો હતો કે કેમ એને માટે બિનઅદાલતી બિનસરકારી કમિશન નિમાય તો કદાચ સત્ય વસ્તુ જડે. અને વર્તમાન યુગમાં કપાવાને યોગ્ય નાક કેટલાં છે એ કોણ કહી શકે ? અદાલત તો વ્યાખ્યા પ્રમાણે અંગછેદને મહાવ્યથાનો ગુનો ગણે !—જોકે સુધરેલી સરકારો ઍટમ બોમ્બ ભલે સર્જે ! વિનાશિકાઓ ગમે તેટલી ઉપજાવે ! અને તે દ્વારા અનેક માનવીઓનાં અંગછેદન તે કર્યે જ જાય; પરંતુ એ સરકારી રાહે થતાં અંગછેદન સિવાયના અંગછેદનના કાર્યને સરકાર ગુનો ગણ્યા સિવાય રહે જ નહિ, એ વર્તમાન યુગના વિકાસને શોભે એવી ધટના છે

છતાં ધીમે ધીમે લોકોમાં તો એવી જ માન્યતા ચાલી કે લખપતની ટોળી ગરીબોને ઘરબાર કરી આપે છે, ભૂખ્યાંને અનાજ આપે છે અને લૂંટે છે માત્ર કાળાબજારિયાઓને, નફાખોરોને, શોષકોને અને લુચ્ચાઓને. એક દિવસ એણે કોઈક ગરીબ ઘરની દીકરીનું કન્યાદાન આપ્યાની વાત આવે, તો બીજે દિવસે કોઈ ભિક્ષુને ભણવા માટે કાશી મોકલ્યાની વાત આવે; કોઈ દિવસ જમીન ઝૂંટવી લેતા