પૃષ્ઠ:Divadi.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડુંગરિયે દવ : ૧૪૧
 

ઘોડીને ક્ષણ, બે ક્ષણ થાબડી. આંસુ ઢાળવાનો કોઈને સમય હતો નહિ. લખપતને ઘેરી રહેલી બીજી ટુકડી ઝાડવાં અને ટેકરીઓને આશ્રય લઈ આગળ વધતી હતી. લખપત પાસે ઊભેલી યુવતીને પૂછ્યું :

'ગોમી ! પોલીસનાં ઠીક માણસો પાડ્યાં, પણ હવે ગોળીઓ ખૂટી ગઈ છે; આ બે જ રહી છે. બોલ, કોને હાથે મરવું છે? જીવવું હોય તો...તું બૈરી છે; કદાચ તને ન મારે. જીવવું હોય તો કહી દે.'

'મારે મરવું છે, તારે જ હાથે. એમાં પૂછવાનું શું ? અને તારા વગર જીવવું કેવું ?’ ગોમીએ પ્રસન્ન મુખે જવાબ આપ્યો.

'પણ તે એક શરતે, તું પણ સાથે સાથે તારી ગોળીથી મને વીંધી નાખે તો !' લખપત ગંભીરતાથી બોલ્યો.

‘હત, ભૂંડા ! મારે હાથે મારા ધણીનું મોત? ન બને એ!' ગોમીએ કહ્યું, અને અત્યંત ત્વરા દર્શાવતા લખપતે ગોમીને ઝડપી આજ્ઞા કરી :

‘ગોમી ! મારો હુકમ છે. ધણીનો હુકમ તો માનીશ ને ? નહિ તો હું અને તું કૂતરાને મોતે મરીશું. વાર ન કર. ઉઠાવ બંદૂક...હાં એમ ! ગોમી ! તું મને જીવ કરતાં પણ વધારે વહાલી છે... એ વાત કરી આપણે હાથે થરકાવવો નથી. બોલ રામનામ ને છોડ ગોળી ! નવે જન્મે નવી રમત. રામ...'

રામ શબ્દ પૂરો થાય અગર પૂરો સંભળાય તે પહેલાં એક સાથે ત્રણ ગોળીબાર થયા, અને લખપત તથા ગોમી જમીન ઉપર ઢળી પડ્યાં. કેટલીક વારે આસ્તે આસ્તે રણવીર, શૂરો અને ત્રણચાર નિશાનબાજો બહારવટિયાના પડેલા દેહ પાસે સંભાળપૂર્વક આવી પહોંચ્યાં. જોયું તો લખપત અને તેની પત્ની ગોમી બન્નેના દેહ જીવવિહીન બની ગયા છે ! રણવીરે જરા આશ્ચર્યથી પૂછ્યું :

'મેં ગાળી તો એક છોડી હતી. બે જણ શી રીતે મર્યા ?'

લખપતનો મૃત દેહ જરા હાલ્યો. મહામુશ્કેલીએ તેના હોઠ ફરક્યા અને સહજ સ્મિતભર્યા મુખમાંથી ધીમો અવાજ નીકળ્યો :