પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
દ્વિરેફની વાતો.


ઓરડી હતી. તેને પણ કમાડ નહોતાં ને ઓરડીમાં માત્ર એક દેવીનો દીવો નાના ધાતુના કોડિયામાં રહેતો. આ દીવો આ સાધક સાધિકાએ વારાફરતી ઘી પૂરીને રાત દિવસ અખંડ બળતો રાખવાનો હતો. આ દીવાની ઓરડીને કમાડ નહોતાં પણ તે ઊંડી હતી અને ત્યાં જવાનો માર્ગ એવો અટપટો હતો કે ગમે તેવા તોફાનમાં પણ પવન ત્યાં સુધી જઈ દીવો હોલવી ન શકે. એ દીવો હોલાતો નથી એ એક દેવીનો પરચો ગણાતો. આ ચાચરમાં બન્નેએ એકાન્તમાં અખંડ બ્રહ્મચર્યથી સાત વરસ સાથે રહેવાનું હતું. બ્રહ્મચર્યમાં ભંગ થાય તો દેવીના ચમત્કારથી તેની ખબર પડ્યા વિના રહેતી નહિ. આવાં સ્ખલનો પૂર્વકાળમાં કેવાં જણાઈ ગયાં હતાં તે ઉપર ઉત્તરમાર્ગનાં પુરાણોમાં કેટલીય કથાઓ હતી. આ કથાઓ હમેશ અક્કેકી આ સાધક સાધિકાને ત્રીજે પહોરે સાંભળવાની દિનચર્યા હતી. ખરી રીતે ચોવીસે કલાકની દિનચર્યા બહુ વિગતથી ઝીણવટથી અને ચોકસાઈથી નક્કી થયેલી હતો. સવારમાં બ્રાહ્મમુહૂર્તે ઊઠીને સ્નાન કરી આવીને સાધકે સાધિકાના પિંડમાં હજી અપ્રગટ રહેલ દેવીની પૂજા કરવાની હતી. એકવસ્ત્રવેષ્ઠિતા સાધિકા,—દરેકે સીવ્યા વિનાના એક જ લાંબા વસ્ત્રનું પરિધાન કરવાનું હતું—ઉત્તર તરફ માથું રાખી સીધી આકાશ તરફ મુખ રાખી સૂઈ જતી, સાધક તેને ઓશીકે બેસી તેના કપાળે કંકુનું તિલક કરી, પોતાનું કપાળ તેને અડાડી પોતાને ચાંલ્લો કરતો; પછી તેની કેડ પાસે બેસી સાધિકાની નાભિ ઉપર સ્પર્શ કર્યા વિના તેણે લાલ કરેણુનું ફૂલ ચડાવવાનું હતું. અને પછી પગ આગળ બેસી સાધિકાને પગને અંગૂઠે, બન્ને આંખો અડાડવાની હતી. આ વિધિ થતી વખતે દેવીગ્રામનો વૈદ્ય હાજર રહેતો અને વિધિ પછી તરત બન્નેની નાડી તપાસતો. બન્નેની નાડીનો વેગ જરા પણ વધવો ન જોઈએ. દિવસમાં સવાર બપોર સાંઝ ત્રણ વાર નાડી તપાસાતી. બપોરે તેમને માટે એકવાર ભોજન આવતું. તેમને પોતાનું કશું પણ કામ હાથે કરવાનું નહોતું. માત્ર દીવો અખંડ રાખવો એ એક જ કામ