પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
દ્વિરેફની વાતો.


કાનાને યાદ આવ્યું કે કંકુની આંગળી પાકી હતી. તેણે કહ્યું, “તે લંગડી, આમ તો મારગમાં સવાર પડી જશે. રેંકડીમાં બેસી જા !”

“તું શું મને લઈ જતો’તો ! માંડ માંડ રેંકડી ખેંચ છ ત્યાં!”

“એમ?” કહી તેણે પોતાના સ્પર્શથી હસતી કંકુડીને બાથમાં લઈ રેંકડીમાં નાંખી. જાણે કંકુનો ભાર ન જ ખેંચાતો હોય તેમ ઊંહકારા કરતો ડોલતો ડોલતો તે જાણી જોઈને ધીમેધીમે રેંકડી ખેંચવા માંડ્યો. થોડીવારે કંકુએ કહ્યું: “અલ્યા ઊભી રાખ, આ કરતાં તે હું ખોડંગતી ખોડંગતી વહેલી પહોંચી જાત. પોતાથી રેંકડી ખેંચાતી નથી ને પાછો ઢોંગ કરે છે!”

“એમ?” કાનિયાને ‘એમ’ કહેવાની ટેવ હતી. એ એક જ શબ્દના જુદાજુદા ઉચ્ચારોમાં તે અનેક ભાવો બતાવી શકતો. આ વખતે તેણે ‘એમ’ કહીને એવી તો દોટ મૂકી કે તેના આંચકામાંથી બચવા કંકુને રેંકડીના ઠૂંડા પકડવા પડ્યા. આગળ જતાં નવી સડક કરવા પથરા પાથરી રાખેલા હતા. રેંકડીનો રસ્તો ત્યાંથી નીચે ઊતરી જરા ફેરમાં જતો હતો. એ રસ્તો નજીક આવ્યો પણ કાનિયો એ બાજુ જવા મરડાયો નહિ. કંકુએ “અલ્યા પથરા પર નહિ હંકાય, ઓલ્યે મારગે હેંડ” એમ કહ્યું. કાનિયાએ એ માર્ગે જવાને બદલે વધારે દોડવા માંડ્યું, અને હવે માત્ર એક હાથે રેંકડી ખેંચવા માંડ્યો.

રસ્તો આખો અણીદાર પથરાથી એક સરખો ખડબચડો થઈ ગયો હતો. તેના પર આ નવી રેંકડી ખડખડતી દોડી જતી હતી. આખી ગાડી ધ્રૂજતી જતી હતી. કંકુનું આખું શરીર ધ્રૂજતું હતું. અને તે સાથે જીવનમાં જાણે પહેલી જ વાર, તેનાં નવાં ફૂટતાં લાવણ્યમય અંગો ધ્રૂજી ઊઠ્યાં. તે સાથે તેના હૃદયે પણ જાણે કંપ અનુભવ્યો. આ બાહ્ય અને આંતર પ્રકંપથી, જાણે તેને કોઈ ગલગલી કરતું હોય તેમ, કંકુ ખડખડાટ હસી પડી. નીચે ખડબચડી પૃથ્વી