પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
દ્વિરેફની વાતો.

કહ્યું: “હું કહેતી’તી અલ્યા આટલું બધું દોડ્ય માં! શો લાડવો ખાવો’તો તે આટલું દોડ્યો?” કાનિયો જાણતો હતો કે કંકુએ એવું કશું કહ્યું નહોતું, ઊલટી હસતી હતી. તેણે આ બધો અર્થ માત્ર “એમ!” કહી દર્શાવ્યો.

બન્ને થોડીવાર બોલ્યા વિના બેઠાં. પછી કંકુએ કહ્યું: “અલ્યા, ઓલ્યા ટેકરા ઉપર તું મને રેંકડીમાં બેસારી રમવા લઈ જતો તે યાદ છે?”

“અને એકવાર પેલા ટેકરા ઉપર તેં મને ચડાવ્યો. પછી રેંકડીમાં બેસીને ટેકરી નીચે રેંકડી દોડવી મેલવાની તેં હઠ લીધી. છેવટે તું રોઈ ને મેં રેંકડી દોડવી મૂકી ને રેંકડીનો ઊંટડો નીચે ભટકાતાં ભાંગી ગયો એ યાદ છે?”

“ખડખડાટ કરતી રેંકડી દોડી ગઈ તે મને બહુ મજા પડી’તી.”

“તને તો મજા જ પડે ને? તારી બા કેટલી વઢી’તી એ યાદ છે?”

બન્ને વચ્ચે થોડા વખત સુધી વિશ્રબ્ધ વાતો ચાલી. નાનપણમાં બોર ખાવા ક્યાં ક્યાં ફરતાં; કેરી ટાણામાં કાનો આંબા ઉપર ચઢી છાનોમાનો કેરી પાડી આપતો; રાત્રે કોઈવાર ઊનાળામાં એ પાસેની રેંકડીમાં સૂઈ રહેતાં; કોઈવાર બધાં સૂઈ ગયા પછી પોતપોતાની રેંકડી દૂર ખેંચી જઈ ચન્દ્રના અજવાળામાં બીજા જાગી ન જાય એમ વાતો કરતાં, વગેરે કંઈ કંઈ સંભાર્યું, એટલામાં કંકુના ઘરમાં દીવો થયો. કાનો રેંકડી લઈ કંકુને તેને માર્ગે મૂકવા ચાલ્યો. ઘરમાં જવાનું નજીક આવતું ગયું તેમ તેમ કાનાને પોતાના કૃત્યનો અર્થ વધારે વધારે ગંભીર લાગતો ગયો. કંકુ રેંકડીમાંથી ઊતરવા જતી હતી, ત્યારે કાનાએ કહ્યું: “હું રેંકડી લઈને દોડતો હતો ત્યારે તારાં માબાપ જોઈ ગયાં હશે તો!”