પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સામાન્ય માણસને લાગે કે પરમાણંદદાસ જેવા પ્રતિષ્ઠાવાળા, રુઆબવાળા, કડપવાળા વકીલ પોતાના એક તુચ્છ નોકરને આવી વાત ન કરે પણ એમના સખત અને જલદ સ્વભાવમાં અત્યંત માર્દવ પણ હતું, જે તેમનાં પત્ની સારી રીતે જાણતાં અને જેનો અનુભવ કોદરને પહેલેથી હતો. કોદર તેમના ઘરના માણસ જેવો થઇ ગયો હતો.

છપ્પનિયા પહેલાંના કોઇ કાઠા વરસમાં એ છોકરો ઉત્તર ગુજરાત તરફથી રખડતો રખડતો આવેલો અને તેની નાતજાતની પડપૂછ કર્યા વિના પરમાણંદદાસે તેને પોતાના ઘરમાં નોકર રાખ્યો, મોટો કર્યો, થોડું ભણાવ્યો અને ઘરના માણસ તરીકે પોષ્યો. ચન્દનગૌરીના પણ તેના ઉપર ચારે ય હાથ હતા. તેના આવ્યા પછી આ એક શાંતિબાબુનો જન્મ થયો એટલે તેમને મન કોદર સારા પગલાનો હતો અને કોદરને તેમને અનુકૂળ રહેવાનો સ્વભાવ પડી ગયો હતો. પરમાણંદદાસ પણ કોદરથી ખુશ રહેતા. તેમને ખુશ કરવા બહુ સહેલું પણ હતું, કારણ કે તે સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. તેમની જરૃરિયાતો ઓછી હતી અને તે પૂરી પડતાં તેઓ તરત ખુશ થતા.

પરમાણંદદાસે, શાંતિએ કેટલે વાગે ખાવું, કેટલે વાગે રમવું, કેટલે વાગે તેને ફરવા લઇ જવો, કેટલે વાગે જગાડવો તે સર્વ નક્કી કરી દીધું. તેમનો કાયદો ઘડવાનો સ્વભાવ જે પત્નીના માર્દવમય વાતાવરણમાં મુગ્ધ થઇ પડી રહ્યો હતો તે હવે જાગ્રત થયો અને તેમણે કઇ ઋતુમાં કયાં કપડાં પહેરાવવાં, ચોમાસામાં અમુક જ ફલાલીનનાં કપડાં કરાવવાં, ચામાં ઋતુએ ઋતુએ કયો મસાલો નાખવો તે પણ ધાર્મિક ચોકસાઇથી નક્કી કરી દીધું. શાંતિ મોટો થતો ગયો તેમ તેમ તેની નિશાળનો વખત, તેણે કયે દિવસે કઇ દિશામાં ફરવા જવું, કેટલે દૂર જવું, કઇ કસરતો કરવી વગેરે સર્વ