વધારે નિકટની, તેમ તે વિશે તે વધારે મૂંગો રહેતો. તેણે પ્રેમ સિવાયની જ બધી વાતો કર્યા કરી. પોતે કેમ રહે છે, કોને મળે છે, શું જોવા જાય છે, ઇંગ્લંડની રીતભાત કેવી છે, એ જ તેણે લખ્યા કર્યું.
એ સિવાય તેણે કાંઈ બીજું લખ્યું હોય તો તે માત્ર પોતાના પિતાના ગુણો વિશે. કારણ કે શાન્તિ એમ માનતો હતો કે પોતે ઘર માંડ્યા પછી તેની પહેલી ફરજ પિતાને સંતોષ આપી સુખી કરવાની છે અને તેમાં તેની પત્ની સહધર્મચારિણી થાય એમ તે ઇચ્છતો હતો.
પણ પરમાણંદદાસના જીવનમાં આ ચાકરી ભોગવવાનું હતું નહિ. પુત્ર ઇંગ્લંડ ગયા પછી જાણે તેમની સર્વ શક્તિઓ હરાઈ ગઈ. પુત્રને સ્ટેશને વિદાય કરીને પાછા આવી, તેમણે હજી સુધી કદી બહાર નહિ કાઢેલી પોતાની પત્નીની અને કુટુંબની છબીઓ અને થોડા દિવસ પર પડાવેલ પુત્રની છબી બેઠકના ઓરડામાં બહાર મૂકી અને તે રાતે કોદરે જમવા બોલાવતાં, તેમની નિયમિત જિંદગીમાં કદાચ પહેલી વખત જ, તેમણે જમવાની ના પાડી. શાન્તિનો પત્રવ્યવહાર નિયમિત હતો. તેને તેઓ પોતાના ખુશખબર નિયમિત આપ્યા કરતા, પણ તેમનું શરીર ઘસાતું જ ચાલ્યું. તેમના મિત્રોને ચિંંતા થઈ, તેમણે ખરું કારણ કલ્પ્યું; પણ પુત્રને અભ્યાસ છોડાવી અહીં લાવવો કે તેને પોતાની માંદગીની ખબર આપવી એ તેમને સિદ્ધાંતની વિરુદ્ધ લાગ્યું. બીજી તરફથી તેમને તો ખાતરી જ હતી કે હવે દેહ ટકવાનો નથી. તેમણે મરણ બાદ શાન્તિને નિયમિત પૈસા મળે તેની ગોઠવણ કરી, પોતાની બધી મિલકતની વ્યવસ્થા કરી અને જરા પણ નિર્બળતા બતાવ્યા વિના દેહ છોડ્યો.