કાલ્પી સ્ત્રીઓ પેલા આંબલીના ઝાડ પાસે ગઈ. રાજા હજી જીવતો હતો. કાલ્પી સ્ત્રીઓએ એક સાથે અનેક બાણો મારી વિરાધસેન દાંડક્ય ભોજને પૂરો કર્યો.
આર્ય ઇતિહાસકારોએ આ બનાવની જુદી રીતે નોંધ લીધી જણાય છે. જયમંગલ, કામન્દક ઉપરની ટીકામાં લખે છે: “દણ્ડક્ક નામનો ભોજવંશનો મુખ્ય પુરુષ હતો. તેના ઉપરથી દાણ્ડક્ય એવું નામ પ્રસિદ્ધિમાં આવ્યું. તે મૃગયા રમવા ગયેલો ત્યાં તરશ્યો થવાથી ભૃગુના આશ્રમમાં ગયો અને ત્યાં રૂપ યૌવનવાળી તેની દીકરીને એકલી જોઈ તેના તરફ રાગ થતાં તેને રથ ઉપર નાંખી પોતાને શહેર ઉપાડી ગયો. સાંજે સમિધકુશ વગેરે વનમાંથી લઈ પાછાં આવતાં ભૃગુએ તેને નહિ જોતાં ધ્યાન ધરી જોયું અને જે બન્યું હતું તે જાણ્યું. તેથી ક્રુદ્ધ થઈ તેણે શાપ આપ્યો, કે ‘સાત દિવસ સુધી ધૂળનો વરસાદ વરસીને ભાયાતો અને રાષ્ટ્ર સાથે નાશ પામો. તેનાથી ઢંકાઈ જઇને મુઓ.” દેશનો નાશ થવાથી પછી ત્યાં અરણ્ય થયું તે દંડકારણ્ય કહેવાયું એવો તેમનો અભિપ્રાય છે. પણ સાચી હકીકત ઉપર પ્રમાણે છે.