પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૫
પ્રકરણ ૯ મું.


જયારે મિસ નાઇટીંગેલ સ્ક્યુટેરાઈની હોસ્પીટલમાં મરકી, મૃત્યુ અને બીજાં અનેક અનિવાર્ય સંકટની સામે આટલી હિંમતથી ટક્કર ઝીલતાં હતાં અને ઘમસાણ અને ગુંચવાડામાંથી વ્યવસ્થા લાવવાને પ્રયત્ન કરતાં હતાં ત્યારે ઈંગ્લેંડમાં કેટલાએક નીચ મનના માણસો તેમના ધર્મ સંબંધી મત માટે ટીકા કરે જતા હતા. કેટલાએક કહેતા કે એ તો રોમન કૅથલીક ધર્મનો પ્રચાર કરવા ગયાં છે. કેટલાંએક કહેતાં કે એ તો હવે પ્રૉટેસ્ટંટ રહ્યાં નથી અને એકેશ્વરવાદી (યુનીટેરીઅન) થયાં છે. કેટલાંકે કહ્યું કે એ તો નાસ્તિક જ થઈ ગયાં છે.

દરેક પ્રસંગે મિ. અને મિસીશ સિડની હર્બર્ટ પોતાના મિત્રનો બચાવ કરતાં.

નામદાર મહારાણી વિક્ટોરીઆ અને તેમના ભલા પતિ પ્રિન્સ આલ્બર્ટ પ્રથમથી જ મિસ નાઇટીંગેલના કાર્યમાં હોંસથી ભાગ લેતાં હતાં. અને મિ. સિડની હર્બર્ટ ઉપર નામદાર મહારાણીએ એક પ્રસંગે પત્ર લખ્યો હતો તેથી ફ્લૉરેન્સ નાઇટીંગેલની વિરૂદ્ધ જે ટીકાઓ થતી હતી તે ઘણે અંશે બંધ થઈ. તે પત્ર નીચે પ્રમાણે હતો.

વીંડ્ઝ૨ કેસલ.


૬ ઠ્ઠી ડીસેંબર ૧૮૫૪.


મારા તરફથી મહેરબાની કરીને મિસીસ હર્બર્ટને કહેજો કે મિસ નાઇટીંગેલ તરફથી જે સમાચાર આવે તેનાથી મને વારંવાર વાકેફ કરતાં રહે, કારણ કે સિપાઈઓની લશ્કરની છાવણીમાં શી સ્થિતિ છે, તેની મને વિગતવાર હકીકત મળતી નથી. અને સ્વભાવિક રીતે મને સિપાઈઓ પ્રત્યે લાગણી વધારે છે.

મિસીસ હર્બર્ટને એટલું પણ કહેજો કે તે મિસ નાઇટીંગેલને લખે કે તેઓ સિપાઈઓને કહે કે હું તેમની હીંમત અને બહાદૂરીની કદર બરોબર જાણું છું, અને તેમના સંકટોની દયા પણ મને તેટલી જ છે, રાત દિવસ મને તેમની ચિંતા રહે છે. મારા પતિ પણ તેટલી જ લાગણી ધરાવે છે.