પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



સુખ યાત્રામાં છે, મંઝિલમાં નહીં !

અબ્રાહમ લિંકન

ઘણા લોકોને મન સુખ એટલે કોઈ નિર્દિષ્ટ મંઝિલ છે! કેમ જાણે હજુ હવે, ભવિષ્યમાં આવનારી એ ચીજ છે. કશુંક જાણે બનવાનું છે. આવા અભાગી લોકો માટે કેમ જાણે મેઘધનુષ્યના છેવાડે સોનાનું પાત્ર રખાયું ન હોય! આ લોકો મેઘધનુષ્યની શોધમાં જીવન આખું ખર્ચી કાઢે છે. માણસ જે રીતે પોતાના પડછાયા પાછળ ભટકતો રહે અને કશું હાંસલ ન કરી શકે. કારણ એ જે શોધે છે, તે તો એની ભીતર જ વસે છે.

જેણે પોતાની સાચી ઓળખ મેળવી હોય તે જ માણસ સુખી છે. એ માણસ સુખી છે જે પરમાત્માને જાણે છે. સુખી એ છે જેનામાં ઉન્નત અને ઉમદા આકાંક્ષાઓ છે! જગતમાં જે વધુને વધુ ઉંચે ચઢતો જાય છે, તે જ છે સાચો સુખી. જે આ જગતને વધારે રહેવાલાયક બનાવી જાણે છે તે સુખી છે. જેના કામ, જેની દિનચર્યા, જેની તમામ પ્રવૃત્તિનું પ્રેરક બળ પ્રેમ છે. જે પ્રેમતત્વને ચાહે છે, જિંદગીને ચાહે છે, તે સુખી છે. જે સ્વયં સુખી છે, તે જ સાચો સુખી છે.

સુખ પ્રત્યેક દિનમાં છે, આ ક્ષણમાં વસે છે. સુખ મંઝિલમાં નહીં, યાત્રામાં છે.

સુખ એ મનની એક સ્થિતિ છે, આપણી આસપાસના ભૌતિક પદાર્થોમાં એ શોધ્યું નહીં જડે. સંપત્તિ – પ્રતિષ્ઠા કે પદમાં સુખ છે જ નહિં. જે લોકો જરૂર કરતાં વધારે ધન ભેગું કરવા આખી જિન્દગી કાઢી નાંખે છે, તેઓ ભ્રમિત અને હતાશ માણસો છે. એમને જ્યારે સમજાય છે કે જીવનમાં પૈસો સુખનું કણ પણ ખરીદી નહીં શકે, ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોય છે!

અત્યારે આપણી પાસે જે કાંઈ છે તેના વિષે સંતોષ અને કદરદાનીનો ઉદગાર એ જ સુખ છે. સુખ વર્તમાનમાં છે, સુખ પ્રત્યેક ક્ષણમાં છે. પ્રત્યેક નવું પરોઢ નવા ઉજ્જવળ દિવસની જાહેરાત કરે છે, જેમાં આપણે પ્રેમ, સંતોષ, ઉલ્લાસ અને નિઃસ્વાર્થ સેવાની આપ-લે કરી શકીએ.