પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરબ્રહ્મવર્ણી-शुद्धम्‍ अपापविद्धम्‍ સૌન્દર્યભોમકા કોણે કોણે દીઠી છે ? એને આરઝૂ હતી-વડવાનળના જેવડી આરઝૂઝાળ હતી. એણે આકાશોમાં ઝંપલાવ્યાં હતાં; એણે આકાશોને ઓળંગ્યાં હતાં ખરાં ? ગેબનાં આકર્ષણ એને હતાં, છતાં પૃથ્વીપુષ્પનાં આકર્ષણ એણે પરિત્યાગ્યાં ન્હોતાં. એની એક આંખ હતી આભની ભીતરમાં; એની બીજી આંખ હતી પૃથ્વીના પેટાળમાં. એ ઉડતો, ઉંચેરૂં ઉડતો, પણ પૃથ્વીને ભૂલ્યો ન્હોતો. દુનિયાવાસીઓ એને આકાશગામી કહેતા; આકાશવાસીઓ એને પૃથ્વીવાસી કહેતા.

કસ્તૂરીમૃગના નાભિકમળમાં કસ્તૂરીકુંભ છે. કલાપીની કાવ્યશિખામાં સૌન્દર્યજ્યોત હતી, કલાપીના સાહિત્યકલાપમાં સૌન્દર્યજ્યોત હતી. પણ પેલું હિમાલયવાસી કસ્તૂરીમૃગલું કસ્તૂરી શોધતું રમેભમે છે તેમ તે સૌન્દર્યજ્યોત શોધતો જગતવાડિઓમાં રમતો ભમતો, ઝૂરતો, વલવલતો. આત્મસૌન્દર્યથી એને આત્મતૃપ્તિ ન્હોતી. જગતવાડીનું સૌન્દર્યપુષ્પ એને જોઈતું હતું. આયુષ્યભરનો એ સૌન્દર્યતીર્થનો યાત્રાળુ હતો.

પૃથ્વીનાં આકર્ષણ એને ઓછાં હોત તો હજી યે અનન્તમાં ઉંચેરૂં એ ઉડત. પણ હસ્તિનાપુરથી પૃથ્વીપરકમ્માએ વિમાન ઉડે એ વિમાનદૃષ્ટિમાં સદા હસ્તિનાપુર જ રમે. કલાપીનું વિમાન જ્ય્હાંથી ઉડ્યું હતું એની આસપાસ સદા ચક્રાવા ખાતું.

સુન્દરતાની શોધ કોઈની યે પૂરી થઈ છે કે કલાપીની પૂરી થાય ? સાત-સાત આસ્માનોના આરાઓ કો ઉલ્લંઘે ત્‍હો યે ત્‍હેમની પેલી પાર આરાઓની પરંપરા અનન્તના આંગણામાં ઉભેલી જ નિરખાશે. ગરૂડની પાંખમાં જોમ હોય એટએટલું ઉડજો. ઉડવાં અનન્તનાં છે.

નવગુજરાતને સુન્દરતાની શોધના પાઠ પઢાવીને એ ગયો. અને જીવનબોલ બોલતો ગયો કે પ્રેમ તે પવિત્રતા છે; અપવિત્રતા તે અપ્રેમ છે. પ્રેમ તે પુણ્ય છે; પ્રેમ તે પાપ નથી.

આપણો સૌરાષ્ટ્ર ઇતિહાસપાંગળો દેશ નથી; ઇતિહાસસમૃદ્ધ દેશ છે. સૌરાષ્ટ્રની સિંહભૂમિમાં અનેક નરવરો થઈ ગયા, જ્યોતિર્ધરો થઈ ગયા, વીરત્વનાં કેસર-છાંટણાં છાંટી ગયા. પણ સાહિત્યદેશને તો સોહાવી ગયા છે ત્રણ સિંહાસનપતિઓ. એક ગીતા ગાનાર દ્વારકાધીશ કૃષ્ણચન્દ્ર; બીજા પ્રવીણસાગરનો રસમહેરામણ રેલાવતા રાજદુર્ગાધિપતિ મહેરામણજી અને ત્રીજા ગઢરાંગે વિરાજી ક્ષિતિજમંડળમાં કેકારવના