પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નોંધપોથીમાંથી નવી વાતો, નવા દાખલા વગેરે રચે ને બાળકોને શીખવે.

આ પાઠ્યક્રમને વધારે લંબાવવાની જરૂર ન હોવી જોઈએ. આમાંથી દરેક ત્રણ માસનો ક્રમ ઘડી શકાય. કેમ કે બાળકો જુદા જુદા વાતાવરણમાં ઊછરેલાં હોય છે તેથી આપણી પાસે એક જ ક્રમ હોઈ ન શકે. પ્રસંગે પ્રસંગે મળેલાં બાળકોને જોઈને જ ક્રમ ઘડી શકાય. કેટલીક વેળા તો બાળકો ઊલટું શીખી આવ્યાં હોય તેમને તે ભુલાવવું પડે. છ-સાત વર્ષનું બાળક જેવા-તેવા અક્ષર કાઢી જાણતું હોય, અથવા તેને ‘મા ભૂ પા’ વાંચવાનું વ્યસન પડી ગયું હોય તો તેની પાસે ભુલાવે. બાળક વાંચીને જ્ઞાન મેળવે એ ભ્રમ તેના મનમાંથી ન નીકળે ત્યાં સુધી આગળ વધે નહીં. અક્ષરજ્ઞાન જેણે જિંદગીભરમાં ન મેળવ્યું હોય તે વિદ્વાન બની શકે એ સહેજે કલ્પનામાં આવી શકે તેવું છે.

આ લેખમાં મેં ક્યાંયે ‘શિક્ષિકા’ શબ્દનો ઉપયોગ નથી કર્યો. શિક્ષિકા તો માતા છે. જે માતાનું સ્થાન ન લઈ શકે તે શિક્ષિકા થાય જ નહીં. બાળક કેળવણી લે છે એવું બાળકને લાગવું ન જોઈએ. જે બાળકની માતાની આંખ ફર્યા જ કરે છે તે બાળક ચોવીસે કલાક કેળવણી જ લઈ રહેલ છે.