પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજે યે એની પગલીઓ ત્ય્હાં પરખાય છે, એના પડછન્દા ત્ય્હાં સંભળાય છે. સારા ગુજરાતને મન છે લાઠી એટલે કલાપી, અને કલાપી એટલે લાઠી. લાઠી ને કલાપીનાં અદ્વૈત ઇતિહાસપ્રસિદ્ધ છે, ઇતિહાસ જેટલાં અજરામર છે. હથેળી જેવડાક લાઠીને એણે ગુજરાતપ્રસિદ્ધ કીધું, ગુજરાતનું એક કાવ્યતીર્થ કરી સ્થાપ્યું. કાળપ્રવાહની લહરીઓ સમી તિથિઓ ઉગશે-આથમશે; આઘે અને એથી યે આઘે, ક્ષિતિજપાળના સીમાઘાટની સોપાનપાયરી પર્યન્ત, સ્મરણોની નાવડી સંચરશે; તેમ તેમ એની કેકાવલિ મીઠી ને મધુરી, અમૃતઝરણી સંભળાશે. આઘેરા મેહુલા મીઠડા ગાજે. આવતી તિથિઓ પગલીએ પગલીએ બોલશે કે લાઠી એટલે કલાઅપી, અને કલાપી એટલે લાઠી. ગુજરાતને એ કહેતો કે લક્ષ્મી નહિ, રાજ્ય નહિ, આયુષ્યે નહિ. ભૂતળમાં પ્રેમ પરમ પદાર્થ છે. અને ગુર્જરમહાપ્રજાના સાહિત્યસ્વામીઓને ઉદ્‍બોધતો કે સ્વાતિ નક્ષત્રના મેહુલા છો: વરસજો ને મોતી સરજજો; સનાતન સુન્દરતને શોધજો. કલાપીનો કેકારવ એટલે પૃથ્વીની સુન્દરતાની શોધનયાત્રા.

લાઠી એટલે નવગુજરાતનું એક કાવ્યતીર્થ. આ ભૂમિનાં રજ ને રાજમહેલ, ને રાજમહેલના અણુપરમાણુ ઉચ્ચરે છે. કલાપી, કલાપી, કલાપી.

જાગી રહી એ જ્યોત હુંમાં તુંમાં આભમાં;
પૃથ્વીમાં પ્તપ્રોત, બ્રહ્માંડ પાર, બેહદ બધે.
નજરે તરે રે, નકલંક નજરે તરે,
નેણાં ભર નજરે તરે,
મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.

પૃથ્વીના આ પડ મહીં રે, આકાશ અનન્ત પરે,
તીવ્ર ગતિએ તારલે એનો એ અટન કરે;
મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.

રસરૂપ થઈને રેલતો રે સરવર સરિતા ભરે;
મેઘાડંબરમાં એ વહી ઝરમર મોતીડાં ઝરે;
મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.

પહાડે, ઝાડે, પુષ્પમાં રે, મધુરા મધૂપસ્વરે,
કલ્લોલ કરતાં પંખીમાં ભિન્ન ભિન્ન રૂપ એ ધરે;