પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"વહીવટદાર સાહેબને ખાતરી કરાવાય કે નોંધણી કામદારને અમથાલાલ સાથે ભાઈબંધી છે."

"તમારે તેમને ખાતરી કરાવવી હોય તો તમે કરો."

"નાયબ ફોજદાર સાહેબને પૂછશો તો તે પણ હા કહેશે."

"શાની હા કહેશે?"

"સાવલીમાં અમથાલાલના ઘરથી ત્રણ ઘર છેટે નોંધણી કામદાર રહેતા હતા. એક ઊંટની ચોરીની તપાસ કરવા નાયબ ફોજદાર સાહેબ ત્યાં ગયા હતા. રાવળીઆનું ઊંટ હતું અને બજાણીયા ચોરી ગયા એવું ચારણ લોક કહેતા હતા."

"આ બધી હકીકત મને કહેવાની શી મતલબ છે?"

"વહીવટદાર સાહેબ ઉપર આપ સાહેબ ચિઠ્ઠી લખી આપો કે છગનલાલ રૂશ્વત નથી ખાતો અને બચરવાળ છે, તો એની ભલામણ કરે."

"ક્યા ગામના વહીવટદાર અને તેમનું નામ શું?"

ચિઠ્ઠીના પ્રાર્થીએ ગામ અને નામ કહ્યું. મેં કહ્યું "પણ હું એ સાહેબને ઓળખતો નથી. કોઇ દિવસ એમને મળ્યો નથી."

"પણ આપને તો એ નામે ઓળખતા હશે. આપનું નામ તો જાણીતું છે. એટલું લખી આપો કે છગનલાલ રૂશ્વત નથી ખાતો અને બચરવાળ છે માટે ભલામણ કરશો તો તો ગરીબ માણસનું કામ થાય."

"હું છગનલાલને ઓળખતો નથી. એ ગામે હું કોઇ દિવસ આવ્યો નથી તો હું શી રીતે કહી શકું એ રૂશ્વત નથી ખાતો? એ બચરવાળ છે તે બતાવવા તો તમે વહીવટદાર સાહેબ આગળ એનાં છોકરાંને લઇ જઇ ઊભાં કરજો. મેં કાંઇ એનાં છોકરાં જોયા છે?"