પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"નોટ પેપર લઇ તે પર ચિઠ્ઠી લખી આ પ્રમાણે વાંચી સંભળાવી :"આ ચિઠ્ઠી લાવનાર જે માગણી કરે છે તે એવી અઘટીત છે કે હું તેની ભલામણ કરું જ નહિ પણ ગરજવાનને અક્ક્લ નથી હોતી અને સ્વાર્થથી અંધાપો આવે છે તેના નમુના તરીકે આ માણસને આપની પાસે મોકલું છું. એ કહેશે તેથી આપને ક્રોધ ચઢશે પણ કામના બોજામાં રમુજ પણ થશે.

"તે બોલી ઉઠ્યો, "સાહેબ! આવી ચિઠ્ઠી?"

"તમે તો કહો છો ને કે ગમે તેવી ચિઠ્ઠી લખશો તો ચાલશે."

"ગમે તેવી એટલે મને ગમે તે રીતે ફાયદો કરે તેવી."

"હવે તમે અહીંથી ચાલ્યા જાઓ, નહિ તો તમે કરવા ધારેલા દગા વિશે હું પોલીસને ખબર આપીશ."

કંટ્રાટી ચાલ્યો ગયો. "ગમે તેવી" ચિઠ્ઠી પડી રહી.

ચિઠ્ઠીના પ્રાર્થયિતાઓની ‘લેવી’ સાંજ સુધી ચાલુ રહી. નોકરી માટે, બદલી માટે, ઘર ભાડે આપવા માટે, વરકન્યાના સગપણ માટે, મફત મોતીઓ કાઢવા માટે, વેપારની ભાગીદારીમાં સામેલ કરવા માટે, કરામાં બારણું મુકવા દેવા માટે, વગેરે કામ કરવા માટે ભલામણની ચિઠ્ઠીઓ માગનારા એક પછી એક આવતા જ ગયા. મને શક પડ્યો કે મારે બારણે કોઇએ પાટીયું માર્યું હશે કે "આ ઠેકાણે ચિઠ્ઠીઓ અપાય છે." તે માટે હું ઓટલે જઇને જોઇ આવ્યો પણ એવું પાટીયું જોવામાં આવ્યું નહિ. પ્રાત:કાલે આશા રાખી હતી કે આજે રજા છે. તેથી આરામ લેવાશે, નવલકથા વંચાશે, અને દહાડાની થોડી ઉંઘ લેવાશે તે બધી આશા વ્યર્થ ગઇ. સૂર્યાસ્ત થતો હતો ત્યારે સ્વ. મણિશંકરના ‘વસંતવિજય’માંના એક શ્લોકમાં થોડા શબ્દ બદલી હું ઉચ્ચારવા લાગ્યો,

"ઘેલી બની બધી સૃષ્ટિ ચિઠ્ઠીમાં હાલ નહાય છે ! હાય ! એક જ આ મારા હૈયામાં કૈક થાય છે."

ચિઠ્ઠી લખી આપવાનો હક કોઇને વેચાતો લેવો હોય તો એક પૈસા માટે ‘કુલ અભરામ ન દાવે અઘાટ’ વેચાણ કરી આપવા હું ખુશ છું. -૦-