પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી મેલ્યાં કાંઈ ઘોડિયે ન્હાનાં બાળ રે,-

સીબન્ધીની ટિકડીને મોખરે ચ્હ્ડી આશારામભાઈ વાવે ગયા, બ્‍હારવટિયાને પડકાર્યો કે વાલા ! સોરઠના બ્‍હારવટિયા યે સિંહ જેવા સજ્જન હતા. વાલા નામેરીએ બન્ધૂક ન ચ્હડાવી, પણ પાર્થ સમો ઉત્તર વાળ્યો: ' આશારામભાઈ ! આપની સામે સામનો નહોય. બીજો હોત તો ભાળી જાત. માન્યું'તું કે આશારામભાઈ છે તે મહેમાનીએ આવ્યા'તા. આ હાલ્યા, લ્યો રામરામ. જીવશું તો વળી મળશું.' વણરંજાડ્યે વાલો લાઠીની સીમ વળોટી ગયો. વાઘ સમોવડા મિયાણાઓ યે આશારામભાઈને એ અન્તર્ભાવે સન્માનતા. કલાપીને તો આશારામભાઈ વડીલપદે હતા.

કૉલેજિયન ગોઠિયાઓમાં બીજા હતા આણંદરાય દવે. આણંદરાય પણ કંઈક રજાઓ લાઠીમાં માણતા. કલાપીનું કૉલેજજીવન કૉલેજિયનોની ઘટાઘેર વચ્ચે વીતતું. આસપાસ સાહિત્યનાં તેજ ઢોળાતાં. સંસ્કૃત હિન્દી ગુજરાતી ઇંગ્રેજી કવિતાની રમઝટ બોલતી. બપ્પોરે બપ્પોરે સાહિત્યવાંચન થતાં; નમતે પહોર ચ્હા-નાસ્તો લેવાતા; સ્‍હાંજે સ્‍હાંજે ટેનિસખેલ ખેલાતા. સહુ યૌવનની વસન્તમાં વિલાસતા. જોબનઝુલન્તા થનગનતા વછેરાઓમાં લાઠીના રાજવીકવિ ઉછરતો. વણમાગ્યાં ને વણદીઠાં સાહિત્યામૃત ચોમેરથી કલાપીઅન્તરમાં સીંચાતાં.

અને એ સકળ શારદામંડળની મધ્યે મહાલતો હતો કલાપી; કોડીલો, ભાવભર્યો, યૌવનઉભરાતો, નિજનું ભવિષ્ય વાંચતો: જાણે નક્ષત્રોમાંહિ ચન્દ્રમા. એનાં નયનોમાં કવિતા ચમકતી. શિલા જેવો દેહપાટ, સુદૃઢ સ્નાયુબન્ધો, ઈંટો જેવી માંસપેશીઓ, વિશાળું હૈયું, ભર્યો ભર્યો સીનો: મ્હોટેરા કહેવાતા ઘણાઓથી એ મ્હોટેરો હતો. રાજકાજ એને ગૌણ હતાં; સાહિત્યસૃજન એને પ્રધાન હતું. ક્ય્હારેક કવિતાવાદળીએ ચ્હડીને રમતો, તો ક્ય્હારેક નવલકથાની ક્લ્પનાકુંજોમાં ઘૂમતો. ક્ય્હારેક તત્ત્વજ્ઞાનને શોધતો પૃથ્વીપેટાળમાં ઉતરતો, ક્ય્હારેક સંવાદોની શબ્દઘટાઓમાં સંચરતો. ક્ય્હારેક મહાકાવ્યને શિખરે બેસવાને ઝંપલાવતો, મયૂરપિચ્છમાંના સપ્તરંગોની રેખાવલિઓના સ્મા એના માનસરંગોનાં ઈન્દ્રકિરણો ઉછળતાં. સાતે કિરણરંગો ગૂંથાઈ નિત્યતેજનો પ્રેમવર્ણ પ્રગટતો. બીજાઓ આયુષ્ય આદરે છે ત્ય્હારે એણે આયુષ્ય સંકેલ્યાં. વિધવિધના સાહિત્યહીરલાઓનો એ આકર્ષણસ્તંભ હતો, દિશાદિશામાંથી શારદાસન્તાનોને આકર્ષી લાવતો અને પોતે પણ કોક ગેબી ગૂઢ અગોચર મહત્તત્ત્વથી આકર્ષાતો આકર્ષાતો આભના આરા ભણી પગલીઓ ભરતો. એની કલાપકલામાં વિધવિધના વાતા વાયુ