પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૮
ગાંધીજીનો અક્ષરદેહ

ભરેલાં હતાં. ખરેખર, આ મિશન સંસ્થા જેટલી જાણીતી થવી જોઈએ તેટલી હજી બિલકુલ થયેલી નથી.

મંડળીના એક ભાઈએ આવી પહોંચી અમને ઘણા નીચા નમી નમસ્કાર કર્યા. પછી અમને આમલીનું પાણી અને અનનસ આપવામાં આવ્યાં. તે લઈ તાજા થઈ આ ભોમિયાની સાથે અમને જે જે જુદી જુદી જગ્યાએ તે લઈ ગયો ત્યાં બધે અમે ગયા. જે જુદાં જુદાં મકાનો અમારા જોવામાં અાવ્યાં તે બધાં સારાં સંગીન હોઈ લાલ ઈંટનાં બાંધેલાં હતાં. બધે શાન્તિ હતી, તેમાં મઠનાં કારખાનાંઓમાંનાં ઓજારોના ખડખડાટથી અને આદિવાસી બાળકોના અવાજથી માત્ર થોડી ખલેલ થતી હતી.

વસાહત શાંત નાનું આદર્શ ગામ છે અને તેની માલકી સાચામાં સાચા પ્રજાસત્તાક રાજ્યના સિદ્ધાન્ત પર મંડાયેલી છે. સ્વતંત્રતા, સમતા અને બંધુતાના સિદ્ધાન્તનો સંપૂર્ણ અમલ થાય છે. વસાહતમાંનો હરેક પુરુષ ભાઈ છે અને હરેક સ્ત્રી બહેન છે. વસાહતમાં રહેતા સાધુઓની સંખ્યા આશરે ૧૨૦ની છે અને સાધ્વીઓ અથવા જેમને બહેનો કહીને ઓળખાવવામાં આવે છે તેમની સંખ્યા આશરે ૬૦ની છે. બહેનોનું એકાન્ત રહેઠાણ ભાઈઓના રહેઠાણથી આશરે અર્ધાએક માઈલના અંતર પર છે ! ભાઈઓ અને બહેનો બન્ને મૌન અને બ્રહ્મચર્યનું કડકપણે પાલન કરે છે. ઍબટ (મઠના વડા) જે નાતાલમાંનાં બધાં ટ્રૅપિસ્ટ સાધુ- સાધ્વીઓના વડા છે તેમણે બોલવાની પરવાનગી આપી હોય તે સિવાયનાં કોઈ ભાઈ કે બહેન મૌન છોડતાં નથી; અને જેમને ખરીદીને સારુ અથવા મુલાકાતીઓની સરભરાને માટે ગામમાં જવાનું થાય છે તેમને માત્ર બોલવાની છૂટ મળે છે.

પોશાકમાં ભાઈઓ લાંબા ઝભભા પહેરે છે અને ઝભભાની આગળની તેમ જ પાછળની બાજુએ કાળા કાપડનો કકડો હોય છે. બહેનો સાદામાં સાદી ઢબનો લાલ પોશાક પહેરે છે. કોઈએ મોજાં પહેરતાં જણાયાં નહીં.

મંડળીમાં દાખલ થવાની ઈચ્છાવાળા ઉમેદવારને બે વરસની મુદત સુધી વ્રત લઈ પાળવું પડે છે અને તે દરમિયાન તેને નોવિસ (ઉમેદવાર) કહેવામાં આવે છે. બે વરસ બાદ તે જોઈએ તો મઠ છોડી જાય અગર જિંદગી સુધીનું વ્રત લઈને રહે. આદર્શ ટ્રૅપિસ્ટ સાધુ મળસકે બે વાગ્યે ઊઠે છે અને ત્યાર બાદ ચાર કલાક પ્રાર્થના અને ધ્યાન કરવામાં ગાળે છે. છ વાગ્યે તેને નાસ્તો મળે છે. તેમાં તેને રોટી અને કાફી અથવા એવો બીજો સાદો ખોરાક અપાય છે. ભોજન બપોરના બાર વાગ્યે થાય છે અને તેમાં તેને રોટી, સૂપ અને ફળ આપવામાં આવે છે. સાંજે છ વાગ્યે તે વાળુ કરે છે અને સાત અથવા આઠ વાગ્યે સૂઈ જાય છે. ભાઈઓ મચ્છી અને જાનવરનું અગર પક્ષીઓનું માંસ ખાતા નથી. ઈંડાં સુધ્ધાં તેમને વજર્ય છે. તે લોકો દૂધ લે છે ખરા પણ અમને કહેવામાં આવ્યું કે નાતાલમાં તેમને દૂધ સસ્તુ મળતું નથી. બહેનોને અઠવાડિયામાં ચાર દિવસ માંસની છૂટ છે. નિયમની સાથે આવું વિસંગતપણું ! કેમ ચલાવી લેવામાં આવે છે એવા અમારા સવાલના જવાબમાં ભોમિયાએ ખુલાસામાં વિવેકથી જણાવ્યું કે “બહેનો ભાઈઓ કરતાં વધારે નાજુક હોય છે તેથી.” મારા સોબતી જે લગભગ શાકાહારી છે તે અગર હું આ દલીલનું તથ્ય અગર જોમ જોઈ ન શકયા. અલબત્ત, આ ખબર સાંભળીને અમને બન્નેને ઊંડું દુ:ખ થયું કેમ કે તે અમારે માટે નવાઈ જેવી હતી અને ભાઈઓ તેમ જ બહેનો બન્ને શાકાહારી હશે એવી અમે અપેક્ષા રાખી હતી.