પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
ગાંધીજીનો અક્ષરદેહ
પરિશિષ્ટ ૬

દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયના નામદાર રાજ્યપ્રમુખ,

પ્રિટોરિયા

આ પ્રજાસત્તાક રાજ્યમાં રહેતા અમે નીચે સહી કરનારા યુરોપિયનો આ મુલકમાં સ્વતંત્રપણે રહેનારા અગર વેપાર ચલાવનાર હિંદીઓની સામે હિતસંબંધ ધરાવનારા ચોક્કસ શખસોએ ઊભી કરેલી ચળવળની સામે વિરોધ કરવાની રજા ચાહીએ છીએ.

અમારા જાતઅનુભવને લાગેવળગે છે તે મુજબ અમે માનીએ છીએ કે તેમની સ્વચ્છતા ને આરોગ્યની ટેવો યુરોપિયનોની તેવી જ ટેવો કરતાં કોઈ રીતે ઊતરતી નથી, અને તેમનામાં ચેપી રોગોના ફેલાવા વિષેનાં નિવેદનો ને તેમાંયે હિંદી વેપારીઓ વિષેનાં નિવેદનો ખસસ પાયા વગરનાં છે.

અમે દૃઢપણે માનીએ છીએ કે એ ચળવળનું મૂળ તેમની સ્વચ્છતા ને આરોગ્યને લગતી 'દેવો કે રિવાજોમાં નહીં પણ વેપાર અંગેની તેમની સામેની અદેખાઈમાં રહેલું છે કેમ કે પોતાની કરકસરની તેમ જ સંયમી ટેવોથી જીવનની જરૂરિયાતોની ચીજવસ્તુઓના ભાવ તેઓ નીચા રાખવાને સમર્થ થયા હોઈ તે કારણે પ્રજાસત્તાક રાજયમાં વસતા સમાજના ગરીબ વર્ગોને સારુ અસાધારણ આશીર્વાદરૂપ નીવડયા છે.

અમે માનતા નથી કે અલગ લત્તાઓમાં રહેવાની અગર વેપાર કરવાની તેમને ફરજ પાડવાને કોઈ વાજબી કારણ અસ્તિત્વમાં હોય.

તેથી જેનું વલણ તેમની સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકવાનું હોય અને આખરે તેઓ પ્રજાસત્તાક રાજય છોડી ચાલી જાય એવું પરિણામ લાવવાનું હોય તેવું કોઈ પણ પગલું અખત્યાર ન કરવાની અગર તેને ચલાવી ન લેવાની અમે તમો નામદારને નમ્રપણે વિનંતી કરીએ છીએ કેમ કે તે પરિણામ ખુદ તેમના રોજી મેળવવાના સાધન પર ઘા કર્યા વગર રહે નહીં અને તેથી અમે નમ્રપણે સૂચવીએ છીએ કે કોઈ પણ ખ્રિસ્તી મુલકમાં નિરાંતે શાંતિથી જોઈને બેસી રહી શકાય નહીં.

(ઉપરની અરજી આફ્રિકાન્સ અને અંગ્રેજી બંને ભાષામાં છપાયેલી છે રજૂ કરવામાં આવેલી નકલ પર, મૂળ પર કરવામાં આવેલી સહીઓ નથી.]

પરિશિષ્ટ ૭

હું હાજી મહમદ હાજી દાદા ડરબન, પ્રિટોરિયા, ડેલાગોઆ બે અને અન્ય સ્થળોના વેપારી હાજી મહમદ હાજી દાદા ઍન્ડ કંપનીનો વડો અને વ્યવસ્થાપક ભાગીદાર સોગંદ લઈને જણાવું છું કે,

૧. ૧૮૯૪ની સાલમાં એક વખત હું જોહાનિસબર્ગથી ચાર્લ્સટાઉન સિગરામમાં મુસાફરી કરતો હતો.
૨. ટ્રાન્સવાલની હદ પર પહોંચતાં એક વરદીમાં અને બીજો એમ બે યુરોપિયન મારી પાસે આવ્યા અને તમારી પાસે પાસ છે? એમ મને પૂછવા લાગ્યા. મેં જણાવ્યું કે, મારી પાસે કોઈ જાતનો પાસ નથી અને પહેલાં કોઈ વખત આવી રીતે મારી પાસે માગવામાં આવ્યો નથી.