પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
કમળાના ઉભરા

બોલ્યા ચાલ્યા વગર પોતાના સુવાના ઓરડામાં ગઈ. મોહનચંદ્ર પણ પોતાના શયનગૃહમાં જઈને પોઢી ગયા. ગંગાના ઓરડામાં ગંગા ને કમળા જ માત્ર રહ્યાં. તુળજાગવરી ને વેણીગવરી જરાક કમળાની મૂર્છા વળી ત્યારનાં જ બીજા ઓરડામાં ગયાં હતાં.

કમળાને માથે ગંગાએ ધુપેલ ઘસ્યું ને તેથી માથું ઘણે દરજ્જે ઉતરી ગયું. તેને નીરાંત વળી, પણ ઉંઘ આવી નહિ. ગંગાને પણ ઊંઘ આવી નહિ. કડીંગ કડીંગ કરતા ત્રણ વાગ્યા ને ગંગાને વિચાર થઈ આવ્યો. આજે એપ્રીલની વીસમી તારીખ હતી ને મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાં રજા પડવાથી તેનો પતિ કિશોરલાલ ઘેર આવવાનો હતો. આ વેળાએ તે ઘણી હર્ષાતુર હતી, કેમ કે ત્રણ ત્રણ વાર રજા પડી, પણ કિશોરલાલ આવી શક્યો નહોતો. સુરતના સ્ટેશન પર પાંચ કલાકે ગાડી આવતી હતી. હવે માત્ર બે કલાક બાકી હતા. પણ પ્રિયતમ પ્રિયાને મળવાને માટે આ લાંબો વખત હતો. ગંગા હર્ષાતુર હતી, પણ ઘેલી થઈ નહોતી. પહેલાં પોતાની નણંદ કમળાની આગતાસ્વાગતા કરવામાં તે સારી રીતે રોકાઈ. કમળાને નીરાંત વળ્યા પછી તેણે ઉંઘવાને કહ્યું, પણ બેભાન અવસ્થાને લીધે તેને ઉંઘ આવી નહિ.

“ગંગા ભાભી, મને શું થયું હતું વારુ?”

“મોટી બહેન, સાસુજીએ તો તમારી આશા પણ છોડાવી હતી. મને લાગે છે કે, વાઈ થઈ આવી હશે. પણ ડાકતર હમણાં આવી ગયા તે કહેતા હતા કે લોહીનો ઉભરો હતો. પણ મોટી બહેન, તમને શું થાય છે તે મને જણાવશો ? આજ કેટલા દિવસ થયા હું તમને એકાંતમાં કલાકના કલાક સુધી વિચારમાં ને વિચારમાં ગુંથાયેલાં જોઉં છું. વખતે તમને પૂછીએ કંઈ ને ઉત્તર કંઈ દો છો. તમારી સાહેલીઓ સાથે પણ તમે મન મૂકીને વાત કરતાં નથી, ને મને પણ તમારા મનમાં શું છે, તે જણાવતાં નથી. જણાવ્યા વિના દુઃખ ઓછું કેમ થાય ?”

“ભાભી ! મારી ભાભી, મને ઘણું દુ:ખ છે !” એકદમ પથારીમાંથી