પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કુંવર - અર્થ બરથમાં સમજીએ નહીં. એનો રાગ, વાજાંના સ્વરમાં ભળી જાય છે. વળી બોલ્યો કે, ગૌવરીબાઈ તેમ આવાં વાજાં સાથે લાવ્યાં છો?

ગૌરીબાઈ - ના સાહેબ.

કુંવર - ઓહો ! જુઓ તમારી કવિતા કરતાં આનાં વાજાંમાં, અને રાગમાં કેવી રમુજ છે?

ગૌરીબાઈ -(નરોત્તમને) હવે ઝટ રજા માગો.

નરોત્તમ - (કુંવરને) સાહેબ હવે અમને રજા આપો.

કુંવર - (ચાકરને ) આ સઉને પાનનાં બીડાં આપો. (ચાકરે આપ્યાં)

કુંવર - વળી કોઈ વખતે આવજો, આ દરબાર તમારો છે.

નરોત્તમ - સારૂ સાહેબ આવીશું.

સઉ ઉઠીને સલામ કરીને ચાલ્યાં. એ સભામાં પેલો મારવાડી કવિ બેઠો હતો, તેતો એ કવિતાનો વ્યંગાર્થ સમજીને બહુ અચરત પામ્યો, અને સભામાંથી ઉઠીને આઘે જઈ નરોત્તમદાસને પુછ્યું કે તમારે કેમ આંહીં પધારવું થયું હતું? નરોત્તમે થોડીઘણી વાત કહી. પછી કવિ બોલ્યો

ગીતી

સરસ નરસ રસ સમજે, કવિતારસ તો તહાં પ્રગટ કીજે;
પણ ઘુઘરો કે ઘંટા, બાળક તો તે બજાવતાં રીખે. ૧

નરોત્તમ - આપ કોણ છો ?

કવિ - હું એક કવિતા જાણનારો છું ?

નરોત્તમ - આ રાજાજી કવિતાના રસમાં કાંઈ સમજે છે કે, એ પણ આ કુંવરજી જેવા છે.

કવિ - રાજા પણ ગોળ નેં ખોળ સાખું કુટી મારે એવા છે. મેં સારી કવિતા સંભળાવીને તેનું મન રંજન કર્યું છે, તેથી મને પગાર આપવો કરીને રાખ્યો છે ખરો, પણ ઉત્તમ, મધ્યમ કવિતાની પરીક્ષા રાજા જાણતો નથી તેથી મારૂ મન આઠેકાણે સ્થિર નથી.

નરોત્તમ - વારૂ તમારીં રચેલું એક કવિત કહો જોઈએ એટલે અમારી ખાતરી થાયકે તમે કેવી કવિતા રચી જાણોઇ છો ?

કવિ - મેં ઘણા વિષયો ઉપર કવિતા રચેલી છે, માટે તમે કહો તેવા પ્રકરણનું કવિત કહું.

નરોત્તમ - હાલ આપણે રાજા સંબંધી વાતચીત કરીએ છૈએ માટે એ જ પ્રકરણનું કવિત કહો કે, આ સમયમાં કેવો રાજા હોય તે જશવાળો કહેવાય છે ?