પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુરો શુરો રજપૂત, ભૂત થકી ભાગે મા;
મન મારૂં મજબૂત, તૂત ગણી ત્યાગે મા. ૧૨
હિમ્મત ધરૂં હજાર, બાર જઈ બેશી મા;
ભ્રમણાનો શો ભાર, પાર શકે પેશી મા. ૧૩
કિધો વેહેમનો હોય, રોમ નથી બીતી મા;
વાર ગણાયો ભોમ, સોમ ગયો વીતી મા. ૧૪
મેં આભે ભરિ બાથ, સાથ વિના સાથે મા;
દયા કરી દિનનાથ, હાથ ગ્રહ્યો હાથે મા. ૧૫
એ પ્રભુનો જે પાડ, ખાડ ખણી ડાટે મા;
તે જન મોટા તાડ, ઝાડ સુકા સાટે મા. ૧૬
*
અભણ વિષે.

વિદ્યા કળા વિહીન, ચીન ચડી જાશે મા;
પણ તે પર‌આધીન, દીન થઈ થાશે મા. ૧૭
નહિ વિદ્યા નવટાંક, રાંક જુઓ જેવા મા;
વળતી કાઢે વાંક, આંક કરમ એવા મા. ૧૮
ફાવે એવી ફોજ, હોજ ભર્યા પાણી મા;
જો નહિ જાણે ચોજ, રોજ ભણી રાણી મા. ૧૯
તો તેનો અવતાર, છાર પડી છૂટ્યો મા;
કહે કવી ધિક્કાર, તાર નશિબ તૂટ્યો મા. ૨૦

ભણવાના શ્રમ વિષે.

હું હોંશે કદિ હી, ચીર નહીં ચહાતી મા;
નહિ પામી કદિ નીર, ખીર કદી ખાતી મા. ૨૧
ઘડ્યા કનકના ઘાટ, કાટ ચડ્યા કીધા મા;
મેં ભણવાને માટ, ડાટ વળણ દીધા મા. ૨૨
ચાતુરતા હિર ચીર, ધીરજ જળ ધોયું મા;
શોભે તેથિ શરીર, જીરણ નવ જોયું મા. ૨૩
હરિગુણ હાર હજાર, ભાર નહીં ભાસે મા;
સદગુંઅના શણગાર, પાર વિના પાસે મા. ૨૪
કરતી પર ઉપકાર, ખાર તજી ખોટો મા;
પુસ્તક પઢી અપાર, સાર મળ્યો મોટો મા. ૨૫