પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે પનોતી [૧]પતિએ પ્રભુજીએ કૃપાથી આપી,
તેને પણ પ્યારીગણી જેવી જીવાદોરી આ.
જેનો મહીમા જગતમાં પૂરો પ્રસિદ્ધ થયો,
એવી તો અધિક છે સુભાગ્યની સજોરી આ.
દાખે દલપત રામદયાના દૈવતનો જો
દરીઓ નદીઠો હોય દેખવી કટોરી આ. ૧૦

દયાના તત્વનો દરીઓ દીઠો ન હોય તો. વીક્ટોરીઆને દેખ.

એવા પ્રસંગમાં નરોત્તમદાસનો ગુમાસ્તો નામે હાથીભાઈ ત્યાં આવ્યો. તેનું નાક લાંબુ હતું. અને દાંત દેખાતા હતા.

નરોત્તમ - આ હાથીભાઈનું એક કવિત રચી આપો જોઈએ.

પછી ગૌરીબાઈએ તેનું કવિત રચ્યું તે નીચેમુજબ.

મનહર છંદ.

અંબાડી ઉપાડી છે કે પેચદાર પાઘડી છે,
ખેસ છેડા લટકે કે ઘંટ સુધડાઈ છે;
નાક લાંબુ નવ વેંત છે કે સુંઢ સુંદર છે;
દંતુસર છે કે ડાઢો બાહાર દેખાઈ છે,
ચોખા કંકુ ચાંદલો કે શોભે છે સીંદૂર ભાલ,
પાછળ છે પુંછડું કે કાછડી વળાઈ છે;
દાખે દલપતરામ દેખો દુનીઆના લોકો,
હાથી હુલકરનો કે આતો હાથીભાઈ છે. ૧૧

એવામાં જમનાબાઈની સાથે એક બાઈ હતી, તેને બીજી બાઈને પૂછ્યું કે જમનાંબાઈ તમારે શી સગી થાય છે? તેણે જવાબ દીધો કે.

દોહરો
સગપણ છે સાચું કહું, એ તું સાંભળ આપ;
તેનો સસરો નિત્ય કહે, મુજ સસરાનો બાપ. ૧૨

ગંગાબાઈએ પોતાની સાસુને કહ્યું કે, અમે નિશાળમાં સમશા પૂર્તિ પુછી હતી, તે ગંગાબાઈએ સારી રીતે પૂરી કરી આપી હતી. એમ વિષેનું પેલું હજામ વિષેનું કવિત સંભળાવ્યું. સાસુએ કહ્યું કે, તમને સમશા પુછતાં આવડી નહિ, કેમકે એ તો ઘણી સહેલી છે. પણ સમશા પૂર્તિ તો એવી પુછીએ કે, મહિના સુધી વિચારે તો પણ પૂરી થઈ શકે નહિ.

  1. કુટુંબના વિસ્તારવાળી