પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આભાસ.


“હિંદુસ્થાનનો રહેનારો ઘાશીરામ સામળદાસ નામનો એક કનોજીઓ બ્રાહ્મણ, પેશવાઇ શહેર પુનામાં રોજગાર કરવા સારુ આવી રહ્યો હતો. તે પ્રથમ કેટલાક દિવસ સરકાર દરબારમાં જઇ મુત્સદ્દીઓની તાબેદારી ઉઠાવી ઉમેદવારી કરી ગુજરાન કરતો હતો. તેને એક છોકરી ઘણી ખુબસુરત હતી. બાલાજી જનાર્દન ભાનુ ઉર્ફે નાનાફર્દનવીશ તે છોકરીપર ઘણો આશક થયો હતો. તેણે પોતાની બુરી મતલબ પાર પાડવાને ઇરાદે ઘાશીરામને એ શહેરની કોટવાલી બક્ષી. ઘાશીરામે કોટવાલીના હોદ્દાનું કામ ચઉદ પંદર વર્ષ સુધી કર્યું, પણ તે કાંઇ તારીફ લાયક બજાવ્યું, એવું કહેવાને અમને કાંઇ પણ આધાર નથી. કોટવાલીના અમલના જોરથી માત્ર રૈયત ઉપર જુલમ કર્યો અને લાંચ રુસ્વત લઈ દ્રવ્ય એકઠું કર્યું. જો નાનાફર્દનવીશની, એની ઉપર મહેરબાની નહીં હોત તો આટલી લાંબી મુદત સુધી એવા સખસની પાસે કોટવાલી રહેત નહીં. કોટવાલ સાહેબ તો દિન પરદિન વધારે જુલમ કરવા લાગ્યા. એક દિવસે કેટલાક તૈલંગી બ્રાહ્મણોને એક નાની કોટડીમાં જોર જુલમથી ગડબી દીધા ને તેથી તેમાંના કેટલાકનો જીવ ગયો. આ માઠા બનાવની ખબર માનાજી શિંદે જે માનાજી ફાંકડાને નામે એાળખાતા હતા, તેને કાને પડવાથી તેણે માધવરાવ નારાયણપંત ઉર્ફે સવાઇ માધવરાવ પ્રધાનને જાહેર કરી. આ વાતથી તે ઘણા ગુસ્સામાં આવ્યા ને પોતાના મનમાં એવો ઠરાવ કર્યો કે, ઘાશીરામને સજા કર્યા સિવાય અન્ન પાણી લેવું નહીં. ઘાશીરામને તાબડતોબ પકડી લાવવાનો હુકમ કર્યો. આ વાતની ઘાશીરામને ખબર પડવાથી તે નાહાસીને નાના ફર્દનવીશના મહેલમાં જઈ સંતાઇ રહ્યો. તેનો જીવ બચાવવાની નાના સાહેબે ઘણી કોશેશ કરી; પણ સવાઇ માધવરાવના દબદબા આગળ તેનો કાંઇ ઇલાજ ચાલ્યો નહીં ને ઘાશીરામને આખરે સરકારને સોંપવો પડ્યો. તે વખત ઘાશીરામનો પગ સાંકળથી હાથીના પગ સાથે બાંધી શહેરમાં ફેરવવાનો સરકારે હુકમ કીધો. ઘાશીરામને હાથીના પગ સાથે બાંધ્યેા, તેથી તેના માથા તથા શરીરના ચૂરેચૂરા થઈ ગયા. આ પ્રમાણે તેની આખેરી શકે ૧૭૧૪ મુતાબીકે ઈસ્વીસન ૧૭૯૨ માં થઈ. તે વખતે તેની ઉંમર આસરે પચાસ વર્ષની હતી. આ કોટવાલની કાર્કીર્દી રમુજી જાણી લોકોનાં દિલ ખુશ થાય, તેમ જ વળી તેથી ઉપદેશ પ્રાપ્ત થાય, એ વાસ્તે આ ગ્રંથ લખ્યો છે. એમાંથી દરેક વાતના તાત્પર્ય (મતલબ) ઉપર ધ્યાન રાખીને આ ગ્રંથ વાંચવો અને તે ઉપરથી તે કાળના કોટવાલના રાજમાં કેટલું અંધેરું ચાલતું હતું તે તથા તે વખતના લોક મોટા ડાહ્યા અને વિદ્વાન્ કહેવડાવતા હતા