પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
ઘાશીરામ કોટવાલ.


ટા૦— હાથીને ઉપકાર અપકારની સમજ છે ને તેની યાદ ઘણી દિવસ સૂધી રાખે છે. દિલ્લી શહેરમાં એક દરજી હતો. તેના ઘરની પાસે એક હાથી જઈ પહોંચ્યો, એટલે તેને દરજીએ પાતાની બારીમાંથી કાંઈ ફળ અથવા મીઠાઈ આપી. એક દિવસે દરજી કાંઈ ગુસ્સામાં હતો ને હાથી તેનાં બારણા આગળ જઈ લાગ્યો. તે વખત હમેશની રીત પ્રમાણે હાથીએ પોતાની શુંડ બારીમાં ઘાલી. ત્યારે દરજીએ તેની શુંડમાં શોય ઘોંચીને “જા, જા, મારી પાસે આપવાને કંઈ નથી,” એવું બોલ્યો. તે ઉપરથી હાથીએ કાંઈ ન કરતાં ચાલવા માંડ્યું. આગળ જતાં રસ્તામાં એક ઠેકાણે દુર્ગંધી પાણી ભરાયેલું તેના જોવામાં આવ્યું. તેમાંથી પોતાની શુંડમાં પાણી ભરી લઈને, પાછો દરજીના ઘર પાસે આવીને તેની બારીમાં શુંડથી પાણી નાંખી તમામ જગા તથા કપડાં ખરાબ કર્યા હતાં. પારિસ શહેર ફ્રેંચ લોકોની રાજધાની છે. ત્યાં એક સરકારી હાથી હતો, તેને તમાશગીર લોકો કાંઈ ખાવાનું આપે નહીં તે સારુ તે હાથીની પાસે એક બંધુકદાર સીપાઈ પોહોરો ફરતો હતો. એટલું છતાં પણ એક ઓરત તે પહરેદારની નજર ચૂકવીને હાથીને હંમેશ ભાખરી આપતી હતી. એક દિવસે પહેરેગિરે ભાખરી આપતાં તેને જોઈ તે ઉપરથી તે બાઈ ઉપર ગુસ્સે થયો. તે કારણસર હાથીએ તે પહેરેગિરના મોહોડા ઉપર શુંડથી પાણી છાંટ્યું. તે જોઈને સઘળા તમાશગીર હસવા લાગ્યા. બાદ પહેરેદારે રૂમાલથી મોહોડું લુછ્યું ને તમાશગીર લોકોને તાકીદ કરવા લાગ્યો. તે ઉપરથી હાથીએ તે પહેરેદારના હાથમાંથી બંધુક શુંડથી છીનવી લઈ પગ નીચે દાબી ભાંગી નાંખીને પહેરેદારને પાછી આપી.

ઘા૦— તમારા હાથી જેવા હોય તેવા ખરા; પણ અમારા હાથીના શહાણપણ બરાબર તેનાથી થવાનું નથી. એક દિવસે મુળામુઠા નદીમાં રેલ આવી હતી. તે વખત ઓંકારેશ્વર મહાદેવની પાસે બ્રાહ્મણોની સ્મશાન ભૂમી છે, ત્યાં મહાવત હાથી લઈને ગયો હતો, તે મહાવત નદીમાં તરવા ગયો. તે તરતાં તરતાં નદીના પાણીના જોરથી તણાવા લાગ્યો. તે વખત “ડુબ્યો રે ડુબ્યો,” એવી બુમ મારતો ગળચકાં ખાવા લાગ્યો. તે વખત ત્યાં ઘણા લોક હતા; પણ કોઈ કહાડવા ગયું નહીં. બાદ તેને તણાઈ જતો હાથીએ જોઈને તે ત્યાંથી સપાટાબંધ નદીના કિનારાથી પા કોશ જઈને નદીમાં ડૂબકી મારી મહાવત ખેંચાઈ જતો હતો, તેની સામે આવી તેને શુંડવતી લઈને પોતાને માથે બેસાડ્યો. બાદ હાથી, મહાવત સુદ્ધાં બે ત્રણ કોશ ખેંચાઈ જઈને આગળ કિનારે આવ્યો ત્યાં જઈને પુના શહેરમાં પાછો લઈ આવ્યો.