પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







૧૩.
અમૃતમાંથી ઉદ્વેગ
 

‘હાશ ! જાન છૂટી.’

માંડ કરીને પ્રકાશશેઠને અને પ્રમોદમારને બાવાસાધુને વેશે રાવટીમાં પધરાવ્યા પછી સર ભગન છૂટકારાનો દમ ખેંચી રહ્યા.

‘આવા ગળેપડુ માણસ તો ક્યાંય ન જોયા. તિલ્લુના વેવિશાળ માટે અમસ્તું વેણ નાખેલું એમાં તો સામેથી પિસ્તોલ તાકીને આવી પહોંચ્યા. કેમ જાણે મેં છોકરી પરણાવવા માટે એને સ્ટૅમ્પ–પેપર ઉપર સહી કરી આપી હોય ! કેમ જાણે મેં સાઈન્ડ, સીલ્ડ ઍન્ડ ડિલિવર્ડ જેવો પાકો સોદો કરી નાખ્યો હોય એમ આ તો પિસ્તોલની અણીએ તિલ્લુનો કબજો લેવા જ આવી પહોંચ્યા, મારા બેટાઓ !’

‘આજકાલ તો છોકરીના વિવાહ માટે કોઈને વાત કરવામાં જાનનું જોખમ છે,’ લેડી જકલે ટાપશી પુરાવી.

‘અરે, પણ આ ગળેપડુ માણસની દાદાગીરી તો જુઓ ! કહે કે આ અમૃત ચોઘડિયામાં જ લગ્નવિધિ પતાવી નાખો. હું ગોરમહારાજને લઈને આવ્યો છું…જાણે મર્સરાઈઝ્ડની ગાંસડીઓ ભરી જવા લારી લઈને આવ્યા હોય એમ.’

‘અરે, એની મૂઆની દાનત જ હતી ખોરાં ટોપરાં જેવી. તિલ્લુને બહાને આપણી બધી માલમિલકત કબજે કરી લેવાની.’

‘પણ મને શી ખબર કે એની પાછળ સી. આઈ. ડી.ની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની પોલીસ પડી હશે, ને બાપ-દીકરો જાન બચાવવા અહીં આવી પહોંચ્યા હશે !’