અહીં બેકદર દુનિયા તણી દરકાર નહિ હમ મસ્તને !
ફરીએ ચહે દિલ ત્યાં અને દિલ ચહાય તે કરીએ અમે !
ગમી બેકદર અમીરી તને ! જે ઈશ્કિ આ આલમ તણી,
અમને ગમી તો ફકીરી આ પ્યારી ખલક ખવિન્દની.
અમીરી મુબારક રહો તને અમને ફકીરી અમારી આ !
તુજને ગુમાન અમીરીનું ! મસ્તી ફકીરીની ઔર હૈ !
મહેલો ઊંચા વસવા તને ! આલમ બધી માલેકની
હાજર સદા વસવા અને ફરવા અમો આ ફકીરને !
માશૂક તારી બેકદર ભરી ઇશ્કની ખારાઈથી,
આ સનમતણી દિલદારીમાં હમ જાન આ કુરબાન હૈ !
થાયે ખુશી છે તે જોઈને તેને અમે હસીએ ફકીર,
હસું જો હમારી ફકીરી તું ઓ અમીર અહીં આ વખ્તના !
મોતી હીરા ગમતા તને ઉમદા નવા પોષાક ને !
લઈ ખાક ખુદાના નામની દિલ ચોળી જે પાગલ હમે.
સારંગીઓના સૂરથી ગુલતાન જો ઈશ્ક ગાનમાં !
ફેરી અમારી આલેકનીમાં મસ્તનો હમ ગંવાર હૈ.
પી પી તું પ્યાલાં શરાબનાં, માશુકને હાથે અમીર,
પળભર કદી સુખ ભોગવે એ કેફની ઘેલાઈએ.
તો જો પીએ ઉસ્તાદના આ હાથનો પ્યાલો મીઠો !
લહેજત હવે લઈશું અમે ઉમદા અમર એ કેફમેં !
બેદિલ તું દોસ્તોની યારીમાં મગરૂર રહેજે બેકદર !
સાહેબ અમારા દોસ્તને મગરૂર હમ એ યારીમેં !