પૃષ્ઠ:Halarada.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન

માંનાં કેટલાંક હાલરડાં ‘રઢિયાળી રાત’ (ભાગ 2)માં બહાર પડેલાં છે. બીજાં કેટલાંક જડી આવ્યાં તે ભેળવીને આ અલાયદો સંગ્રહ કરેલ છે. અલાયદો સંગ્રહ એ હેતુથી કે એક સ્વતંત્ર વિષય તરીકેની એની મહત્તા બતાવી શકાય; અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત વગેરે હાલરડાંની સાથે સરખાવી તેનો તુલનાત્મક પ્રવેશક આપી શકાય; તથા હાલરડાંની ધારા વહેતી રાખવાની અગત્ય સમજાવી શકાય.

આજે માતાઓ નવાં હાલરડાં માગે છે, જૂનાંને વીસરી ગઈ છે. એ વિસ્મૃતિ ટળો અને નવાં રચવાની પ્રેરણા કોઈ માતૃપ્રેમી કવિને મળો !

એક બીજો આશય એ હતો કે નજીવી કિંમતે આવી રમકડા જેવી નાની સ્વતંત્ર પુસ્તિકાને આપણી માતાઓ-બહેનો જલદી ખરીદી શકે અને સહેલાઈથી વાપરી શકે.

ત્રણેક ગીતો હાલરડાં નથી, પણ સરતચૂકથી સંગ્રહમાં પેસી ગયાં છે.

રાણપુર : 1-6-’28
ઝવેરચંદ મેઘાણી
 


[બીજી આવૃત્તિ]

આ રમકડા જેવી ચોપડીનો ત્વરિત સત્કાર થયો તે બદલ લોકસાહિત્યના પ્રેમીઓનો આભાર માનું છું.

તાજેતરમાં મુંબઈ ખાતે મારી જે વ્યાખ્યાનમાળા ચાલે છે તેના પ્રથમ વ્યાખ્યાન માટે ‘હાલરડાં તથા બાલગીતો’નો વિષય મેં રાખેલો હતો. તેને અંગે વિધવિધ ભાત્યનાં બાલગીતોની મીમાંસામાં મારે ઊતરવું પડ્યું હતું. એ દોહનને પરિણામે હું તરતમાં જ આપણાં બાલ-જોડકણાં (‘નર્સરી ર્‌હાઈમ’)નો એક નાનો સંગ્રહ, એના તુલનાત્મક પ્રવેશક સહિત, પ્રકટ કરવાની સ્થિતિમાં છું. જીવન-કાવ્યના પ્રથમાંકુરો ક્યાંથી ને કેવી રીતે ફૂટે છે તેની સમજ વાચકગણને એ ચોપડીમાંથી મળી શકશે. બાળકોને તો બહુ ગમશે.

વસંતપંચમી : 1929
ઝ. મે.
 
હાલરડાં
213