પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કમલનયના : ૧૦૭
 


થાળીમાં ઢાંકીને મોકલી દેવું.

આજ્ઞા આપી ઊંઘથી ઘેરાયેલો દેવીસિંહ સુઈ ગયો. ગાઢ નિદ્રામાં તે કેટલી વાર સુધી સુઈ રહ્યો તેનું તેને ભાન રહ્યું નહિ. દિવસો ચડ્યો. દરબારનું કામકાજ કરવાનો સમય છે. પરંતુ નિદ્રાધીન દેવીસિંહને જાગૃત કરવાની કોઈની હિંમત ચાલી નહિ.

છતાં ઘેનની, થાકની, કે રોષની નિદ્રાને પણ મર્યાદા હોય છે. પ્રભાત ક્યારનું વીતી ગયું, અને સૂર્ય બીજા પ્રહરમાં પ્રવેશ કરવાની તૈયારી કરતો હતો એટલામાં દેવીસિંહની આંખ ઊઘડી. આંખ ઊઘડતાં બરાબર તેને કમલનયના એકદમ યાદ આવી. પરંતુ કમલનયનાને જોવાને બદલે તેણે પોતાના એક અનુચરને તેની જાગવાની રાહ જોતો ઊભેલો દીઠો. સુંદર સ્ત્રીને નિહાળવાની આશામાં જાગતા પુરુષને કદરૂપો પુરુષ સામે ઊભેલા દેખાય તે જરા પણ ગમે નહિ જ. દેવસિંહે ક્રોધથી પૂછ્યું :

‘તું કેમ સામે ઊભો છે ?’

‘મહારાજ ! આપની આજ્ઞા લેવાની છે.’ અનુચરે હાથ જોડી જવાબ આપ્યો.

‘શાની આજ્ઞા ?’

‘સરકાર ! એક સ્ત્રી આપને મળવા આવી છે.’ અનુચરે કહ્યું. રાતના અને દિવસના અનુચરો જુદા હોવાથી આ દિવસના અનુચરને ગઈ રાત્રિની આનંદી યોજનાનો વિગતવાર ખ્યાલ હતો નહિ.

‘એનું નામ શું ?’ દેવીસિંહે જરા આતુરતાથી પૂછ્યું.

‘કમલનયના.’ અનુચરે જવાબ આપ્યો.

‘એને બેસાડી કેમ રાખી છે...? જા, જા, એને જલદી અહીં મોક્લી દે. એને આવવા માટે પરવાનગીની જરૂર નથી.’

‘પણ...’

‘પણ-બણ કંઈ નહિ. એક પણ અક્ષર બોલ્યા વગર તું જા અને કમલનયનાને અહીં મારી સામે લઈ આવ.’ દેવીસિંહે આતુરતા બતાવી.