પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮ : હીરાની ચમક
 

 વીજળીનો ભાસ થયો. એનાં કપડાં પણ એની ગતિ સાથે ઝોલાં લેતાં હતાં અને તેના સૌંદર્યને પાર્શ્વભૂમિ અર્પતાં હતાં. તે ગાતી જાય અને ફળ વીણતી જાય; ઊંચા આવેલાં ફળને માટે કૂદકો ભરતી જાય અને હસતી જાય. આમ કરતાં કરતાં તેનું ઉત્તરીય પણ અવ્યવસ્થિત બની ગયું અને રમતમાં તેને ભાન પણ ન રહ્યું કે એક યુવાનની નજર તેના દેહ ઉપર ચોંટી રહી છે.

એકાએક ઔરંગઝેબ તેની નજીક ગયો અને બોલ્યો: ‘હું થોડાંક ફળ ઉતારી આપું ? હું તમારાથી ઊંચો છું.’

યુવતી એકાએક ચમકી. તેણે ધાર્યું ન હતું કે કોઈ યુવક તેની ફળ તોડવાની રમત નિહાળતો હશે. શરમાતા શરમાતાં, વસ્ત્રને સહજ ગભરાટપૂર્વક ઠીક ગોઠવીને તેણે જવાબ આપ્યો : ‘ના જી ફળ પૂરતાં થઈ ગયાં છે.’

‘તમારે અત્યારે ફળ કેમ તોડવાં પડે છે?’ ઔરંગઝેબે પૂછ્યું.

‘શહેનશાહના શાહજાદા અહીં પધાર્યા છે. બેગમ સાહેબા કહેતાં હતાં કે શાહજાદાને કેરી બહુ ભાવે છે. આ આંબાની કેરી બેનમૂન ગણાય છે, એટલે શાહજાદા માટે હું લઈ જાઉં છું...’ યુવતીએ કહ્યું.

‘એ શાહજાદો હું જ હોઉં તો ?’ ઔરંગઝેબે જરા હસતાં હસતાં પૂછ્યું. ઔરંગઝેબની આંખમાં મસ્તી વધતી જતી હતી.

‘બેઅદબીની મારે માફી જ માગવી રહી. વૃક્ષ સાથે મારે આવી જંગલી રમત નહોતી કરવી જોઈતી...મહાન શાહજાદા સમક્ષ.’ યુવતીએ શરમાતાં – ગભરાતાં જવાબ આપ્યો.

‘જંગલી રમત ? મને એ રમત ગમી ગઈ હોય તો?... એ રમત જોયા પછી તો મને ઇનામ આપવાનું મન થયું. અને મારે માટે કેરી ચૂંટતી હતી એ સાંભળી મને ઇનામ આપવાનું વધારે મન થયું છે. કહો, શું ઇનામ આપું ?’ ઔરંગઝેબે યુવતીને પોતાની દૃષ્ટિમાં ભરી લેતાં કહ્યું.

‘ઇનામ? નામવર ! હું તો બેગમ સાહેબની એક નાચીજ દાસી છું. આપનાં મને દર્શન થયાં એ મારે મન ખુદાના નૂરનાં