પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રજ્ઞાચક્ષુઓની શકિતઓનો પરિચય મળે તેવા સતત વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેનું દિવસે-દિવસે સારું પરિણામ જોવા મળે છે. શાળામાં રોજ નવા-નવા લોકો આવતા રહે છે. નાના મોટા કાર્યક્રમો માટે જુદા-જુદા લોકોની આર્થિક મદદ પણ મળે છે, પરિણામે ખૂબ સારા કાર્યક્રમોનું વર્ષ દરમ્યાન આયોજન થઇ શકે છે. હું આ જ શાળાની કે સંસ્થાની શાખ સમજું છું જે કોઇ શાળા કે સંસ્થા પૂરતો લોક સહયોગ મેળવી પોતાના કાર્યક્રમો પાર પાડી શકતી હોય તે જ સારી સંસ્થા છે. તેની પાસે બંકમાં કેટલું આર્થિક ભંડોળ જમા છે તે અગત્યનું નથી, પરંતુ તે પોતાના કાર્યક્રમો માટે સમાજ પાસેથી કેટલો. લોકફાળો એકત્રિત કરી આયોજન સફળતાપૂર્વક સમયસર પાર પાડી શકે છે તે વધુ મહત્ત્વનું છે. સારી સંસ્થાઓએ પોતાના હિસાબો પારદર્શક રાખવા જોઇએ, પ્રવૃત્તિઓમાં વધુ ને વધુ લોકોનો સમાવેશ કરવા કામનું વર્ગીકરણ કરવું જોઇએ, ટીમમાં જેટલા લોકો પર ફિકસ જવાબદારી સોંપી શકાય તેટલા લોકો ટીમના સક્રિય ભાગીદાર બને છે. પરિણામે તેવા લોકોના ઉત્સાહમાં વધારો થાય છે તે પણ સંસ્થાનો મહત્ત્વનો હિસ્સો છે તેવી ભાવના તેમનામાં જાગૃત થાય છે. પરિણામે સંગઠન મજબૂત બને છે. જે સંસ્થાનું સંગઠન મજબૂત હોય, ટીમના પ્રત્યેક સભ્યો એક બીજાનું સન્માન કરતાં હોય, એકબીજાની કાર્યશકિતને બિરદાવતાં હોય તે જ સંસ્થા તંદુરસ્ત છે. જે રીતે સુદઢ શરીર તંદુરસ્તીની પ્રતીતિ કરાવે છે તે જ રીતે પ્રવૃત્તિઓથી ધમધમતી સંસ્થા,ખરા સંગઠનનાં દર્શન કરાવે છે. આ જ સાચી સત્યની શોધ છે.