પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બિલાડીને અવશ્ય બાંધી રાખતા, તેથી અમે લોકોએ પણ પિતાને શ્રાદ્ધ પહોંચી જાય એટલા માટે અહીં બિલાડી બાંધી રાખી છે.” આંધળાં અનુકરણથી પરંપરાગત આવી વિધિઓએ પ્રવેશ કર્યો હશે, તેવું હું દૃઢતાપૂર્વક માનુ છું. તેથી મારા મૃત્યુ પછી આવી કોઇ વિધિને સ્થાન નહિ આપવા મારા પ્રત્યેક વારસદારોને મારી વિનંતિ છે. જે રીતે પ્રવાસી એક પછી એક બસ બદલતો રહે છે અને બસમાંથી પ્રવાસ પૂર્ણ થતા અર્થાત્ ગંતવ્ય સ્થળ સુધી પહોંચી જતા ઊતરી જાય છે. તે જ રીતે જિંદગીના દિવસો પૂરા થતાં અવિનાશી આત્મા શરીર છોડીને અન્ય શરીર ધારણ કરવા શરીરમાંથી નીકળી જાય છે. તેની પાછળ કોઈપણ પ્રકારની વિધિઓને સ્થાન નથી. સ્થાન હોય તો તેમના જીવનમાં કરેલ વ્યકિતનાં ઉત્તમ કાર્યોને છે. તે કાર્યો આગળ ધપાવી આપણે સાચું પિતૃ શ્રાદ્ધ કર્યું કહેવાય ! તેવો મારો અભિપ્રાય છે. હું જાણું છું કે આનાથી ધાર્મિક પરંપરામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા લોકોના હૃદયને ઠેસ પહોંચશે. પરંતુ દરેક ધાર્મિક માન્યતા ધરાવતા લોકોને તેમની માન્યતા મુજબ વર્તવાની પણ મારી વિનંતી છે. અહીં મેં જે કોઇ વિચારો વસિયતનામામાં પ્રસ્તુત કર્યા છે તે માત્ર મારી વિચારધારાના વારસદારો પૂરતા સીમિત અને મર્યાદિત છે.