પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કસોટીની એરણે

કોઇપણ બીજ વૃક્ષ બનતાં પહેલાં ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થઇ અનેક વિપત્તિઓનો સામનો કરે છે અને પછી તે અંકુરિત થઇ, જેને વટવૃક્ષ તરીકે નિહાળીએ છીએ તેવું વૃક્ષ બને છે. અચાનક આવેલું અંધત્વ પરિવાર પર આભ તૂટી પડે તેવી સમસ્યાનું બીજ લઈને જાણ્યે આવ્યું હોય તેવો પ્રભાવ, ગમગીન વાતાવરણ અને એક સાંધતા તેર તૂટે તેવું થયું.

પિતા ટપુભાઇ પટેલ ગામના સરપંચ. વિરોધી સભ્યશ્રીઓએ ખોટા આક્ષેપો કરી અદાલતી ચક્કર બાપુજીને લગાવવા પડે તેવા અનેક આક્ષેપોના ભાવનગર કોર્ટમાં કેસ દાખલ કરી, પિતાને વિવશ કર્યા. ઘર કરતાં તેમને બહાર વધુ રહેવાનું થતું. પરિણામે તેઓ ઘરના પ્રશ્નોમાં ખાસ ધ્યાન આપી શકતા નહિ. વિરોધી પાર્ટી દ્વારા બીજી અનેક કનડગતનો સામનો પિતાને કરવો પડતો. વળી તેમને જહાંગીર વકીલ મિલમાં સર્વિસ પણ હતી તેથી તેઓ લાંબો સમય ઘરની બહાર જ રહેતા. મારી દૃષ્ટિની સમસ્યાને હું કાંઇ સમજું તે પહેલાં પરિવારની આર્થિક સંકડામણનો અનુભવ અમને સૌ સભ્યોને સતાવવા લાગ્યો. માંડ-માંડ ગુજરાન ચાલતું. કોઇવાર એકાદ ટંકના ફાંફાં પણ પડી જાય.

દરમ્યાન મારાં માતુશ્રી અજવાળીબેનની તબિયત બગડી. દિવસે-દિવસે

[૨૩]