પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેઓ મંદિરો કે બીજાં ધર્મ સ્થળોએ પણ સાથે લઇ જતા. અમે ધર્મસભાઓમાં પણ જતા. વ્યાખ્યાનો સાંભળવા જતા, રામલીલા અને ભવાઇવેશ પણ જોવા જતા પરંતુ તેમનું વલણ હંમેશાં તટસ્થ રહેતું. તેઓ કોઇ અંધશ્રદ્ધામાં માનતા નહીં. ભૂત-ભૂવા કે વહેમમાં માનતા નહીં. કોઇ માનતા, યાત્રા, પૂજાવિધિ વગેરેમાં સમય બગાડવાને બદલે માનવ સેવામાં પોતાનો સમય ફાળવતા. તેઓ કોઈપણની મદદ માટે પોતાની સાઇકલ, એસ.ટી કે મ્યુનિસિપાલિટીની બસમાં બેસીને જવાનું પસંદ કરતા. જેમને મદદ કરવાની હોય તેમના વાહનમાં ના બેસતા, છેક ગાંધીનગર મોટરકારમાં જતા હોય છતાં બાપુજી હંમેશાં એસ. ટી. બસમાં વહેલા નીકળી જે તે લાભાર્થી પહેલાં પહોંચી જતા, જેમના કામ માટે બાપુજી ગાંધીનગર ગયા હોય તે કામ પૂરું થાય એટલે લાભાર્થીને ત્યાંથી બાય- બાય કરી એસ.ટી. માં ભાવનગર પરત આવતા. આવાં અનેક ઉદાહરણો મેં જોયાં છે. જે-તે સમયે આ બાબતે આવા લાભ મેળવનાર વ્યક્તિઓને મળવાની મને ઘણી વખત તક પણ મળી છે. ઘોઘારોડ પર એક લુહારને જે તે સમયે રૂપિયા ત્રણસોની કિંમતનો પ્લોટ અપાવી તેના પૈસાનું પેમેન્ટ પણ તેમણે કર્યું હતું. આજે તે લુહાર પરિવારના સંતાનો તે પ્લોટમાં લોખંડના ઓજાર - જોડવાનો વેલ્ડિંગ પ્લાન્ટ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આવાં તેમણે અનેક કામ કરી લોકોના દિલ જીત્યાં છે છતાં તેના વિશે તેમણે કોઇ પણને ક્યારેય કશું કહ્યું નથી. આવા ઉમદા વ્યક્તિત્વને મારા શત શત વંદન.