પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંપત્તિ મેળવવા મથતા હોય છે. નિષ્કામ સેવા કરનાર માનવી સાચો સાધુ છે, સાધક છે. કામના બદલામાં જ્યારે કોઇ અપેક્ષા રાખવામાં આવે છે, ત્યારે કરેલા કાર્યનું કોઇ મૂલ્ય રહેતું નથી, પરંતુ અપેક્ષા વગરના કાર્યનું કોઇ મૂલ્ય આંકી શકાતું નથી. ઘીનો દીવો કરી, ટોકરી વગાડતા પૂજારીઓ અને મોક્ષ મેળવવા આસન લગાવી બેઠેલા સાધુઓ કરતાં સ્વાર્થ વગર જરૂરિયાતમંદ માનવીને મદદ કરનાર મનુષ્ય સૌથી મોટો સાધુ છે-તે મંત્ર હું મહારાજની મઢીએથી શીખ્યો છું. મને જે મહારાજની મઢીમાં જાણવા મળ્યું, જોવા મળ્યું એ તમામ સાધુઓની મઢીઓમાં ને આશ્રમોમાં બનતું જ હશે ! આપણા દેશમાં આવું કેમ ચાલતું હશે? તે પ્રશ્નનો ઉત્તર મને આજદિન સુધી મળ્યો નથી. આ પુસ્તકના વાચક આ પ્રશ્નનો જવાબ મને આપશે તો મને જરૂર આનંદ થશે.