પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અસર કરતા નથી. મને ઈશ્વરે આપેલી બંને આંખોનું ગૌરવ છે. શરૂઆતમાં આ સ્થૂળ આંખો જગતનું અનિવાર્ય સાધન લાગે છે અને લાગતું પણ ખરું ! પરંતુ આજે તેનાથી તદ્દન હું પર છું. પ્રાથમિક શાળાના શિક્ષકોની એક ટ્રેનિંગમાં મારે જવાનું થયું. ૩૦૦ થી વધુ પ્રાથમિક શિક્ષકોને હું સંબોધી રહ્યો હતો. મારી વિકલાંગ બાળકોના શિક્ષણ વિશેની ઘણી વાતો શિક્ષકોને હૃદયસ્પર્શી લાગી. મને એક શિક્ષકે પ્રશ્ન પૂછ્યો: ‘તમારા જીવનનો યાદગાર અને આનંદનો દિવસ કયો ?’ કદી આવું વિચાર્યું પણ ન હતું. એક જ સેંકડમાં મારા મસ્તિક પર તે પ્રશ્નનો ઉત્તર સ્ફુર્યો. મેં કહ્યું: ‘જે દિવસે મેં મારી આંખો ગુમાવી એટલે કે હું અંધ થયો તે દિવસ મારી જિંદગીનો યાદગાર અને આનંદનો દિવસ હતો!’ બધા શાંત થઇ ગયા. કોઈએ હિંમત કરી વળી પૂછ્યું : ‘એમ કેમ સર?’ કહ્યું: ‘હું પટેલ જ્ઞાતિમાં જન્મેલો સામાન્ય ખેડૂતનો દીકરો, વધી વધીને ખેડૂત અથવા મારા જ્ઞાતિબંધુની જેમ હીરાઘસુ થયો હોત !’ ‘પથ્થરને ઘસવાનું કામ જો હીરા જેવા શબ્દના મૂલ્યથી આંકવામાં આવતું હોય તો જે હું આજે કરું છું તે માણસને લાગેલા કાટ ઘસવાનું કામ કરું છું તો તેના માટે કેટલા અમૂલ્ય શબ્દોનો ઉપયોગ કરવો પડે તે વિચારો ! હીરાઘસુને ‘રત્નકલાકાર’ તરીકે ઓળખ આપવામાં આવતી હોય તો મારી ઓળખ માટે હવે શબ્દ ક્યાંથી આવશે તેનો જવાબ આપો !’ બધા સમજી ગયા. ખરેખર, મારી જિંદગીનો યાદગાર અને આનંદનો દિવસ તે બની રહે તેવું હું જીવન જીવવા ઇચ્છું છું. રાત-દિવસ હું તેના પર વિચારતો રહું છું. અંધજનોના શિક્ષણ, રોજગાર, તાલીમ અને પુનઃસ્થાપન માટે અવનવા કાર્યક્રમો આપવામાં આવે તેવા પ્રયત્નો કરવા માગું છું. અંધજનોની આંખોની દૃષ્ટિની મર્યાદા બીજાં ઉપકરણો પૂરી કરી આપે તેવા સક્ષમ અને સબળ પ્રજ્ઞાચક્ષુને બનાવવા સમાજ અને સરકાર સહયોગી ભૂમિકા ભજવી ઉત્તમ સમાજનાં નિર્માણ માટે કમર કસે એ જ અભ્યર્થના...

[૫૦]