પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મંગાવામાં આવેલ અરજીઓમાંથી જ્યારે મારા નામની પસંદગી થઇ ત્યારે તેની પ્રતીતિ મારા અર્ધજાગૃત મન દ્વારા મને એવોર્ડના પરિણામ પહેલાં થઇ હતી. આવી અનેક ઘટનાઓની જાણકારી મને અર્ધજાગૃત મનની શક્તિથી થયાનું યાદ છે. અર્ધજાગૃત મન ઈશ્વરના ઇન્ટરનેટનું એક એકમ છે અને તે દુનિયાના પ્રત્યેક મનુષ્યના મન સાથે જોડાયેલું હોય છે. માનવીનું શરીર હાર્ડવેર છે, પરંતુ અર્ધ જાગૃત કે જાગૃત મન તેના સૉફ્ટવેર છે. જે રીતે સૉફ્ટવેર વગર ગમે તેવું કૉમ્પ્યુટર કામ કરવા અસમર્થ હોય છે. તેવી જ રીતે પોતાના મનની શક્તિઓનો ઉપયોગ કરવામાં કુશળ નથી તેવા લોકો કામ કરવામાં હંમેશાં નિષ્ફળ રહે છે.

૧૯૯૮ ની એક ઘટના યાદ આવે છે. પ્રથમ વિદ્યા સહાયકોની ભરતીમાં ભાવનગર જિલ્લામાં પસંદગી પામેલ વિદ્યા સહાયકો પૈકી કુલ ૧૮ વિદ્યાસહાયકોને લગભગ ૪૮ દિવસ પછી જુદાં જુદાં કારણોસર ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા. દર્શાવેલ કારણો ઉમેદવારોની લાયકાત, ગુણવત્તા કે આવડત સંબંધી ન હતા. તેમણે દર્શાવેલાં કારણો ઓવર સેટઅપ, સીટી એરિયા જેવા વહિવટી કારણો ચકાસ્યા વિના ઉમેદવારને નિમણૂક અપાય હોય તેવા હતા. આ મુક્ત કરાયેલ ૧૮ ઉમેદવારમાં ત્રણ વિકલાંગ વિદ્યાસહાયકો હતા. જેમાં એક મારી ધર્મપત્ની નીલા પણ હતી. જિલ્લા પંચાયતમાં આ પ્રશ્ને રજૂઆત કરી, કોઇ સાંભળવા તૈયાર ન હતું. મનમાં સંકલ્પ કર્યો, દરેક ઉમેદવારને છૂટા કર્યાની તારીખથી પગાર મળે તે રીતે પુનઃનિમણૂક કરાવવી, તેનો એક પણ દિવસ નોકરીમાં બ્રેક ન થાય તે રીતે ઑર્ડર કરાવવો લાઠીદડમાં જે વિક્લાંગ ભાઇને શિક્ષક તરીકે નિમણૂક મળી હતી તે ખૂબ દુઃખી હતા. માંડ કરીને તેમને નોકરી મળી હતી. તેઓ મારી ઑફિસમાં કોઈ ગુજરી જાય ને આપણા રિવાજ મુજબ બધા ધ્રુસકે ધ્રુસકે રડે તેમ દસેક મિનિટ રડેલા. મેં તેમને શાંત પાડી આશ્વાસન

આપ્યું. તમારો પુનઃઑર્ડર હું કરાવી આપીશ. કોઇનું મન માનતું ન હતું. તે

[૫૭]