પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્ઞાનનો ઉપયોગ આપણા જીવનમાં વ્યાપેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી દીપક પ્રગટાવી કરી જ શકાય છે. મને શિક્ષણ આપનાર મારા ઘણા બધા ગુરુજનોનો મારા પર બહુ મોટો ઉપકાર રહ્યો તે મારા દરેક ગુરુજનને વંદના કરું છું. આ પ્રસંગે થોડા ગુરુજનોની શિખામણની મને નોંધ લેવાનું મન થાય છે.

ગુજરાતી ભાષાને ઉંડાણથી સમજવાની તક વિશુદ્ધાનંદ હાઇસ્કૂલના મારા શિક્ષિકાબેન દેવયાનીબેન પંડિત પાસેથી મળી. પૂરા પ્રાથમિક શિક્ષણમાં ગણિતના દાખલામાં ઉપર નીચે આવતાં મીંડાં ભાગાકારના દાખલામાં કેવી રીતે ઊડી જાય છે, તે હું સમજી શક્યો ન હતો પરંતુ તેની સાચી સમજ પણ મને વિશુદ્ધાનંદ હાઇસ્કૂલના ગણિત-વિજ્ઞાનના શિક્ષક હરિભાઈ ભૂંગળિયા પાસેથી મળી, તેમણે મને સમજાવ્યું કે ઉપર નીચે આવતાં મીંડાનું મૂલ્ય તેમજ છેદ અને મૂળ રકમના સમાન અંકોનું મૂલ્ય સમાન થવાને કારણે મીંડે મીંડા ગણિતના નિયમ મુજબ ઊડે છે. હું આજદિન સુધી આ ઊડેલા મીંડાં ક્યાં જાય છે? તે ટેલરફ્રેમમાં હાથ ફેરવીને જોયા કરતો. મીંડાની માયાજાળમાંથી બચવા હું આવા દાખલા મોઢે ગણી લેવાનું હંમેશાં પસંદ કરતો. અમારા ગુરુ હરિભાઇના કારણે હું ધોરણ-૧૦માં અંધજનોને બોર્ડ દ્વારા ગણિત વિષયમાં મુક્તિ મળતી હોવા છતાં ગણિત સાથે સારા માર્કે પાસ થઇ અમદાવાદ અંધજન મંડળમાં ગોલ્ડ મેડલ મેળવવામાં સફળ થયો હતો. ધોરણ - ૧૦માં અંધજન મંડળ ખાતે એડમિશન માટે પ્રિન્સિપાલસાહેબની ઑફિસમાં જવાનું થયું. ઑફિસમાં જઇ ખુરશી ખેંચી હું તેના પર બેસી ગયો. અમારા પ્રિન્સિપાલ જશુભાઇ કવિ ગુસ્સે થઇ બોલ્યા : ‘મેં તમને બેસવાનું કહ્યું?’ હું બધું સમજી ગયો. મેં માફી માગી. જશુભાઇ કવિએ કહ્યું: ‘તમારામાં આટલી શિસ્ત નથી તો આ શાળામાં કેવી રીતે ભણી શકશો?’ આ મારા માટે સૌથી મોટું શિક્ષણ હતું. જેના કારણે મારામાં શિસ્તનું સિંચન થયું. આજે પણ મને કવિસાહેબનું એ વાક્ય અને તેમણે ઉચ્ચારેલા દરેક શબ્દો હંમેશાં યાદ આવે છે. આવો જ એક