પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિદ્યાર્થીઓએ પ્રાર્થના બોલવાની રહેશે. વિદ્યાર્થીઓએ તે વાત વધાવી. થોડા સમય સુધી વિદ્યાર્થીઓ થોડા અનિયમિત રહેતા તે નિવારવા મેં બ્રેઇલમાં હાજરીપત્રક પણ તૈયાર કર્યું. રોજ સવારે હું જ બધા વિધાર્થીઓની હાજરી પૂરતો. આવી જ એક બાબત રસોડામાં જમવાના મેનુમાં હતી. તે વખતે બાજરાનો રોટલો, કઢી અને શાક એવું મેનુ મંગળ-ગુરુનું ચાલતું હતું. તે બહેનો જે રોટલા બનાવતી - તેને રોટલો કે‘વો કે લોટનો પિંડો કે‘વો, તે મારી બુદ્ધિ નક્કી નો‘તી કરી શકતી. વિદ્યાર્થીઓ આ બંને દિવસ ભૂખ્યા રહેતા. કેટલાક જડ ભરત રોટલાની ખબર લઇ લેવામાં આગળ પડતા હતા, મેં આ માટે તે વખતના સંચાલકો સામે બંડ પોકાર્યો, ઠીક-ઠીક સફળતા મળી. ઘઉં - બાજરાના લોટની મિક્સ ભાખરી બનવા લાગી. શનિવારે મહિનામાં એકવાર ફરસાણ નક્કી થયું. જેના પરિણામે વિદ્યાર્થીઓ સંતોષથી ખાઇ શકતા. નવરાત્રિનો તહેવાર આવ્યો. તે વખતે વિદ્યાર્થીઓ એક જાજમ પાથરી બજારમાંથી તૈયાર ગરબો લાવી, એક ટેબલ પર પધરાવતા અને સાંજે હાર્મોનિયમ, તબલાં સાથે રોજ ગરબા ગાતા. મને થયું કે-સરસ માતાજીની ગરબી કરાવવી જોઇએ. નવરાત્રિ કમિટી જે વિદ્યાર્થીઓમાંથી બનાવવામાં આવી હતી તેમાં મેં પ્રસ્તાવ રજૂ કર્યો. બધા સંમત થયા અને આ માટે પૈસા ક્યાંથી લાવવા? વિદ્યાર્થીઓએ ગરબી નિર્માણ માટે આયોજન અને ફંડ એકત્રિત કરવા એક કમિટી બનાવી. જેમાં મારી સિવાય ચંદુ વઘાસિયા, જીતુ ચૌહાણ, અશ્વિન મગનિયા વગેરે મિત્રોને કામ સોંપવામાં આવ્યું. બીજા જ દિવસે અમે કામ ઉપાડી લીધું. ફંડ એકત્રિત કરવા અમે બે-બે સભ્યોની ટુકડી બનાવી. પ્રથમ ટીમના કેપ્ટન ચંદુ વઘાસિયા નક્કી થયા અને તેના સહાયક તરીકેની કામગીરી અશ્વિન મગનિયાએ કરવી તેવું નક્કી થયું. આ ટીમ નિર્મળનગર વિસ્તારમાં ફંડ એકત્રિત કરશે. જ્યારે બીજી ટીમનું કામ મને સોંપવામાં આવ્યું. મારા સહાયક તરીકે જીતુ ચૌહાણ હતા. અમારે સરદારનગર