પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને ઘોઘારોડ પર ફંડ એકત્રિત કરવા જવાનું હતું. આખો દિવસ ફંડ માટે ફર્યા. સરદારનગર અને ઘોઘારોડ પરથી માંડ બસો પંચાસી રૂપિયા ભેગા થઇ શક્યા. અમારા બીજા મિત્રોએ પણ આખો દિવસ નિર્મળનગરમાં ખૂબ મહેનત કરી, સાંજે માંડ પાંચ રૂપિયા મળ્યા. બંને મિત્રો રિક્ષા કરી અંધશાળા પરત આવ્યા. તે સમયે બે વ્યકિતના રૂપિયા પાંચ ભાડું થયું એટલે કે બીજી ટીમ પાસે ગરબીના યોગદાન માટે ફંડની કોઇ રકમ મળી નહીં. રાત્રે વિદ્યાર્થીઓની ફરી મીટિંગ મળી. બધા વિદ્યાર્થીઓ કહેઃ ‘બે જ દિવસમાં નવરાત્રિ છે. આ રીતે ફંડ ભેગું નહિ થઇ શકે તો ગરબી કેવી રીતે આવશે ! આપણે વિચાર માંડીવાળીએ.’ મેં કહ્યું : ‘મિત્રો, હું આપને ખાતરી આપુ છું, પાંચમા નોરતાએ આપણે જરૂર ગરબી પધરાવી, તેનું ઉદ્ઘાટન કરીશું. હું ગમે તે રીતે ફંડ ભેગું કરી આપીશ.’ ફંડ ભેગું કરવામાં સૌથી મોટી મુસીબત દાતાને આપેલ દાનની રસીદ અમે આપી શકીએ તેમ ન હતા કારણ કે શાળાના સંચાલકોએ અમને આ માટે ડૉનેશન બુકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી. ગરબી નિર્માણમાં તે વખતના સંચાલકોની કોઇ રુચિ ન હતી. બીજા દિવસે સંઘેડિયા બજાર ગરબી બનાવનાર મિસ્ત્રી પાસે ગયા. અમારી જરૂરિયાત મુજબની ગરબી તૈયાર કરી આપવા ઑર્ડર આપ્યો. ભાવ નક્કી થયો. મિસ્ત્રી પંદરસો રૂપિયામાં પાંચમા નોરતા પહેલાં ગરબી તૈયાર કરી આપવા સંમત થયો. આ માટે ડિપોઝિટ પેટે રૂપિયા એક હજાર સવાર સુધીમાં ભરવાના, પછી તે કામ શરૂ કરે તેમ કહ્યું. હવે મારી ચિંતા વધી, હજાર રૂપિયા મેં હાથ ઉછીના કરી પેલા મિસ્ત્રીને પધરાવી દીધા. જેમની પાસે ફંડ માંગીએ તેને કહેતા ‘ગરબીના ઉદ્દઘાટનમાં તમો ચોકકસ પધારજો. તમારા હાથે જ ઉદ્ઘાટન થશે.’ પછી પચાસ રૂપિયા આપી ઉદ્ઘાટનમાં હાજરી આપવાની બધા જ ના પાડી દેતા. દીવાનપરા પેટ્રીએટ ટાઈપ ક્લાસના માલિક મહેન્દ્ર ગોસ્વામી મને મળ્યા. મેં ગરબી નિર્માણ વિશે તેમને વિગતે વાત કરી. તેમણે