પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નામી-અનામી મુલાકાત લેનાર મહાનુભાવો હતા. ન્યાય ઉપવાસની મંજૂરી માટે પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ સહિત અનેક મુલાકાતો પછી સફળતા મળી હતી. પોલીસ કમિશનરની કચેરીએ ચલક-ચલાણાની રમતની માફક એક ચેમ્બરથી બીજી ચેમ્બરે ધક્કા ખાવા પડ્યા હતા. ઉગ્ર અવાજે રોષ ઠાલવ્યા પછી પોલીસ કમીશનરની મુલાકાત શક્ય બની હતી. ઉપવાસ દરમ્યાન સાથી ઉપવાસી મિત્રોની તબિયત ખરાબ થવાના સમાચાર સમયસર મુખ્યમંત્રીની કચેરીએ પહોંચાડવામાં આવતા, તેઓ પોલીસ અધિકારીને મોકલી અમારા સાથી મિત્રોને સારવાર આપવાની ચેષ્ટા કરવા સિવાય કંઈ વધુ કરવા માંગતા હોય તેવું મને લાગ્યું નહીં. હેમખેમ અમોએ પાંચ દિવસના ઉપવાસ પાર પાડ્યા. ગુજરાતના સમગ્ર મીડિયા વિભાગે અમારા આંદોલનને ખૂબ સારો પ્રતિસાદ આપી વિકલાંગોને તેમની લાયકાતના ધોરણે નોકરી પ્રાપ્ત થાય તેવા અમારા કાર્યને સરળ બનાવ્યું. જેના કારણે અમારા આંદોલનમાં રાજ્યભરના અંધજનો સહિત વિકલાંગો જોડાયા. ચોવીસ કલાક સુધી અમે ફૂટપાથ પર ઉપવાસના સ્થળે રહેતા, રાત્રિના ફૂટપાથ પર સૂતા તેમાં અમારા રક્ષણ માટેનો જો કોઇ વિશ્વાસ હોય તો એકમાત્ર આ મીડિયા પરિવાર પર જ હતો. મીડિયાના ડરથી અમારા પર કોઇ સત્તાનો ગેરઉપયોગ નહિ કરી શકે તેની મને તે વખતે પૂરી શ્રદ્ધા હતી. ઉપવાસ દરમ્યાન અમારા સિનિયર વિદ્યાર્થિની બહેન શ્રી મુક્તાબેન ડગલીનો અદ્‌ભુત સહકાર મળ્યો. તેઓ અમારા ઉપવાસી મિત્રો અને આવનાર તમામ પ્રજ્ઞાચક્ષુઓની ભારે સાર-સંભાળ રાખતાં હતાં. બધાના નાસ્તા ભોજનની વ્યવસ્થાની જવાબદારી અમારા મોટાબેન મુક્તાબેન જ સંભાળતાં હતાં. આંદોલનમાં સેંકડો અંધજનો અને વિકલાંગો જોડાયા હોવા છતાં બેન તમામની ખૂબ ઉત્સાહથી કાળજી લેતાં. પોતે પણ ઉપવાસ રાખતાં

હતાં છતાં તેમના ઉપવાસની કોઇને જાણ થવા દીધી ન હતી. ઉપવાસના

[૭૪]