પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કલેક્ટર કચેરી બોલાવવામાં આવ્યો ત્યાં પણ મેં આવી જ સ્પષ્ટતા કરી. કલેક્ટરસાહેબે મને ઉપવાસનું સ્થળ અન્ય જગ્યાએ બદલવા કહ્યું ! મેં તેમને જણાવ્યું: ‘અમારા આંદોલન માટેના સ્થળ અને તારીખ અગાઉથી જ નક્કી થઇ ચૂક્યા છે. મુખ્યમંત્રીના ઉપવાસની તારીખ બદલાય અને અમારી તારીખ સાથે પાછળથી નક્કી થઇ છે તેથી સ્થળ તેમની સદ્‌ભાવના ઉપવાસનું બદલાવવું જોઈએ. મારી સાથે સંઘની ઘણી વાતો થઇ. સરકાર દરેક પ્રશ્ન ઉકેલી આપશે તેવી મને ખાતરી આપવામાં આવી. મેં લેખિત ખાતરીનો આગ્રહ રાખ્યો. ચોવીસ કલાકની અંદર કલેક્ટરશ્રીએ ખાતરી આપતો પત્ર મને લેખિતમાં આપી પણ દીધો ! રાજ્યભરમાં વિકલાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષકોને પગાર ચૂકવી આપવા કરેલ માંગણીનો પ્રતિસાદ માત્ર બાર કલાકમાં મળ્યો. પહેલી ડિસેમ્બરના રોજ યોજના ચલાવતાં સંગઠનો કે સંસ્થાઓને જીસીઇઆરટીએ શિક્ષકોના પગારની રકમ સત્વરે ચૂકવી આપી. જે મારા માટે આનંદનો વિષય હતો. જેઓ વિકલાંગ બાળકો માટે કામ કરે છે તેવા લોકોને સમયસર પગાર મળવો જ જોઈએ. મારી દૃષ્ટિએ સરકાર દ્વારા તેમને તો વિશેષ લાભ મળવા જોઇએ કારણ કે આવા શિક્ષકોએ જેમને શારીરિક કે માનસિક ક્ષતિના કારણે વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેમના માટે અનેક નવા શૈક્ષણિક ઉપક્રમો તૈયાર કરી કામ કરવાનું હોય છે. તેમનામાં પડેલી શક્તિઓને એકત્રિત કરી તેમને સમાજમાં પુનઃસ્થાપિત કરવાના હોય છે, આવાં બાળકો સાથે કામ કરવું એક મોટો પડકાર હોય છે. મને યાદ છે – વર્ષો પહેલાં ખાસ શાળાઓમાં કામ કરતા શિક્ષકોને અન્ય શિક્ષકો કરતાં વિશેષ પગાર ધોરણો આપી સન્માનિત કરવામાં આવતા. વિકલાંગ વર્ગને અન્ય સમાજની માફક આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા સક્ષમ અને પ્રબળ બનાવવા સરકાર અને સમાજે વિશેષ અને

આગવાં પગલાં લેવાં રહ્યાં.

[૭૮]