પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
જયા-જયન્ત
 


ઉત્સાહ છું, અભિલાષ છું, પ્રેરના છું;
કલ્પના છું અદ્ભુત અમૃતની.
આધાર છું પડતાંનો,
ઉદ્દીપન છું થાક્યાનું.
તીર્થ છું તીર્થગામીઓનું,
મોક્ષ છું મુમુક્ષુઓનો.
જગતની શક્યતાનો ભંડાર,
વિશ્વના વિકાસનું કેન્દ્ર,
મનુષ્યનું દિવ્ય લોચન છું
દેવર્ષિ ! સૃષ્ટિનો સુન્દર મહેલ છે,
એ મહેલનો મિનાર ને ધ્વજ છું
મહાઆભથી યે ઉન્નત,
ને બ્રહ્મધામની દીવાદાંડી જે
મ્હારૂં નામ 'થશે'
અન્તર્ધાન થાય છે. દેવર્ષિ સમાધિમાંથી જાગે છે.

દેવર્ષિ: સ્મરણ, પ્રવૃત્તિ ને આદર્શ;

ઈતિહાસ, પરકમ્મા ને મોક્ષ
ત્રણે કાલ સરજ્યા છે સરજનહારે
બ્રહ્માંડની ઉન્નતિને અર્થે.
પડ્યા છે ભૂતકાલના હિમાદ્રિ,
સમાધિસ્થ, અવિચલ ને યોગમૂર્તિ;
જન્મે છે ત્હેમાંથી વર્તમાનગંગા,