પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૨૧
 

નવલોથી, એની રજૂઆતની પદ્ધતિને કારણે જુદી પડે છે. કથાની રજૂઆત એક સુંદરીના મુખે એક પછી એક આલેખાતા જતા ભૂતકાળના પ્રસંગો રૂપે થઈ છે. રામ અને લક્ષ્મણ જેવાં બે ભાઈઓ વિજયસિંહ અને જયસિંહ બૂરો દેવળની ભૂમિ ઉપર રાત્રિનિવાસ કરે છે એ સમયે નાનોભાઈ જયસિંહ જે આમ તો વિજયસિંહને ખૂબ જ પ્રેમ કરતો હતો, એના તરફ આદરભાવ ધરાવતો હતો એના મનમાં વિજયસિંહને મારી નાખવાના જે વિચારો આવે છે. કટાર લઈને મોટાભાઈને મારી નાખવા ઉગામેલો હાથ અંતરની કોઈ અકળ લીલાથી પાછો વળી જાય છે ત્યારે એ જોઈ રહેલી બાલુ સુંદરી ઉર્ફે લાલકુંવર જયસિંહને આ ભૂમિના બૂરા પ્રતાપની કથા કહે છે. પુરાણકાલીન મહાભારત વગેરે કૃતિઓમાં કે મધ્યકાલીન ગુજરાતી આખ્યાન-પદ્યવાર્તામાં જેમ એક પાત્ર બીજા પાત્રને કથા કહેતું હોય - વૈશંયાપન ઋષિ જનમેજય રાજાને કે પછી બૃહદશ્વ મુનિ યુધિષ્ઠિરને કથા કહેતા હોય – અને એ રીતે કથામાં કથા આવે એવી પદ્ધતિથી કૃતિ રચાઈ છે. બાલુસુંદરી જયસિંહને મારવાડની આ મરુભૂમિની ભલાઈ અને બૂરાઈની કથા કહે છે.

કથાના નાયકસ્થાને છે દુર્ગ સમાન અટલ દુર્ગાદાસ. દુઃખ અને દારિદ્ર્‌ય વેઠીને વજ્જર સમાન બનેલા આ નરવીરની સાચી પરખ જોધપુરનરેશ જશવંતસિંહે કરેલી. એમણે કહેલું કે ‘આ દુર્ગામાં હું ભારે દૈવત નીરખું છું. એનો ચહેરો, એનો સીનો, એની ભાષા, એના વિચારો મને કહી રહ્યા છે કે કોઈ વાર મારવાડનો નબળો વખત આવશે ત્યારે એ ટેકો આપશે. (પૃ. ૧૨૬)’. અને ખરેખર દેવ અને દેશની પૂજા માટે એનું શિશ-કમળ સદાય તૈયાર રહ્યું. સતત પચીસ વર્ષ સુધી મારવાડની લોકક્રાંતિની મશાલ જલાવેલી રાખનાર આ નરબંકાએ ઇતિહાસ સામે એ સાબિત કરી આપ્યું કે રાજા વિના પણ રાજ ચાલી શકે છે. જો લોકમત જાગ્રત હોય, જો વીર દુર્ગાદાસ જેવાનું સફળ સંચાલન હોય તો રાજા વિના પણ લોકયુદ્ધ ચાલી શકે એ વાતની પ્રતીતિ ઔરંગઝેબને કરાવી આપનાર દુર્ગાદાસની આજુબાજુ નવલકથાનું મુખ્ય વસ્તુ વણાયું છે. જ્યારે ભારતનો ચક્રવર્તી આલમગીર ઔરંગઝેબ મૂછોને વળ આપતો રાજપૂત-રાઠોડને અને મરાઠાઓને મધમાખીઓની જેમ જેર કરવા તલસી રહ્યો હતો ત્યારે દેવ, ધર્મ, સ્ત્રી, બાળક ને ગૌબ્રાહ્મણ પ્રતિપાળ બનીને રાજપૂતવીરોએ ઔરંગઝેબને મારવાડમાં ત્રાહિમામ પોકારાવી હતી.