પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૪૯
 

ગણશાસન પદ્ધતિ અને બીજી સામ્રાજ્યશાસન પદ્ધતિ. એ સમયે ભારતમાં ૧૬ મહાજનપદ જાણીતા હતાં. એમાં અંગ-મગધ-કાશી-કોશલ-વજ્જિ-મલ્લચેદિ-વત્સ-કરુ-પંચાલ-મસ્ય-શૂરસેન-અશ્મક-અવન્તી-ગાંધાર-કંબોજ વગેરે મુખ્યત્વે જાતિવાચક નામથી પ્રસિદ્ધ થયા હતા. એ સમયે આ બધાં રાજ્યો સર્વતંત્ર સ્વતંત્ર જેવાં હતાં. સ્વતંત્રતાનું સહુને અભિમાન પણ હતું. આ રાજ્યો પરસ્પર પ્રેમ અને યુદ્ધો પણ કરતાં. તેમાંના કેટલાક જેઓ શક્તિશાળી હતા તેઓ બીજાને ગળી જવાનો પ્રયત્ન પણ કરતા. પણ કોઈ રાજ્ય એટલું શક્તિશાળી નહોતું જે બીજાં રાષ્ટ્રોને પરાધીન કરીને સાર્વભૌમ બની શકે.

બધાં ગણરાજ્યોમાં શાક્ય, વૈશાલી અને લિચ્છવીનાં પ્રજાતંત્ર વિશેષ જાણીતાં હતાં. વિદેહ-લિચ્છવી એકમેકમાં ભળીને વૃજ્જિ તરીકે ઓળખતાં હતાં. શાક્ય અને વૃજ્જિ પ્રજાતંત્રે એ સમયે સહુનું લક્ષ્ય ખેંચ્યું હતું એનું કારણ હતું શાક્ય દેશમાં જન્મ લેનાર ભગવાન બુદ્ધ અને વૃજ્જિ પ્રજાતંત્રમાં જન્મનાર ભગવાન મહાવીર. બંને પ્રજાતંત્રોની પ્રસિદ્ધિમાં આ બંને વિભૂતિઓનો ફાળો મોટો હતો.

વૈશાલી વૃજ્જિઓના પ્રજાતંત્રની રાજધાની હતું અને ભિન્ન ભિન્ન બળવાન ગણજાતિઓના મિલનથી સંયુક્ત ગણરાજ્ય બન્યું હતું. લિચ્છવી લોકોની રાજપ્રણાલી એવી હતી કે તેઓ રાજ્યમાંથી ત્રણ પુરુષોને પસંદ કરતા ને રાજ્યની લગામ તેમને સોંપી દેતા.

લિચ્છવીઓની એક મહાસભા હતી જે ગ્રંથાગારમાં મળતી, જેમાં જુવાન ને વૃદ્ધ ભેગા થતાં ને એકમતથી રાજકારોબાર ચલાવતા. આ મહાસભામાં પ્રત્યેક કુળના વડીલ આ પ્રતિનિધિ-સભ્યને ચૂંટવામાં આવતો એ ‘રાજા’ કહેવાતો. આવા રાજાઓની સંખ્યા ૭૭૦૭ની હતી. આ રાજાઓ મહાસભામાં એકત્ર થઈ કાયદા રચતા, તેમ જ વેપાર અને તેના વિષે વિચાર કરતા. આ મહાસભા પોતાના સભ્યોમાંથી નવ સભ્યોને ચૂંટતી, તેઓ ‘ગણરાજ’ કહેવાતા અને તમામ કાર્ય પર દેખરેખ રાખતા.

આ પ્રજાતંત્રમાં રાજ્યની તમામ વ્યક્તિઓ શાસનકાર્યમાં ભાગ લેતી. સમગ્ર પ્રજાના અધિકાર સમાન લેખવામાં આવતા. તમામ પ્રજાજનો પૂરતી