પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ભગવાન મલ્લિનાથ અને બીજી વાતો’ નામધારી ‘વીરધર્મની વાતો’ના બીજા ભાગમાં માત્ર છ વાર્તાઓ મળે છે. આ છ યે વાતો એક રીતે ઐતિહાસિક કથાઓ છે. પહેલી વાર્તા ‘ભગવાન મલ્લિનાથ’માં મિથિલાની રાજકુમારી મલ્લિકાએ પોતાને પરણવા માટે ઉત્સુક બનીને યુદ્ધને નાદે ચડેલા છ રાજાઓને પ્રબોધીને કેવી રીતે વૈરાગ્યમાર્ગે વાળ્યા એવું બયાન છે. ભગવાન મલ્લિનાથ એ જૈનોમાં ઓગણીસમા તીર્થકર છે. મલ્લિનાથ એ જ મલ્લિકા એટલે કે મલ્લિનાથ સ્ત્રી તીર્થંકર છે એ લેખકે સરસ રીતે વાર્તામાં નિરૂપ્યું છે. સ્ત્રી અને પુરુષનો ભેદ આત્માની શ્રેષ્ઠતા આગળ કેવો ગૌણ બની જાય છે એ જયભિખ્ખુની બાની આવી સરસ રીતે આલેખે છે. ‘ભલા કોણ સ્ત્રી, કોણ પુરુષ ? જેના અંતરે આત્મ મોટાં એ મોટું. આત્માની જ્યેષ્ઠતા એ જ શ્રેષ્ઠતાનું સાચું કારણ.’ લેખકે અહીં એકલી જૈન સંસ્કૃતિનું જ નહીં, સમગ્ર ભારતીય સંસ્કૃતિનું નવનીત આટલા વાક્યમાં રજૂ કરી દીધું છે!

સંગ્રહની બીજી વાર્તા ‘સૌંદર્ય કે સુંદરી’માં મોહ અને પ્રેમ વચ્ચેના તફાવતનું વાર્તાનાયિકા સુંદરી દ્વારા સચોટ આલેખન થયું છે. ચક્રવર્તી ભરત પોતાની બહેન સુંદરીને પોતાની પત્ની બનાવવા દીક્ષા લેતી થંભાવે છે પરંતુ આખરે એ જ સુંદરી ભરતને પ્રેમ અને મોહ વચ્ચેના તફાવતનું સાચું તત્વજ્ઞાન સમજાવે છે. આ વાર્તામાં સુંદરીનું પાત્ર ખરી વીરાંગના, તપસ્વિની અને ભગિનીરૂપે પૂર્ણ રીતે વિકસ્યું છે.

ગુજરાતના સુવર્ણયુગના તેજસ્વી ઇતિહાસનું છેલ્લું પાનું આલેખતી ‘દેરાણી-જેઠાણીનો ગોખ’ વાર્તામાં ગુજરાતના વીર વસ્તુપાલે પત્નીની પ્રેરણાને કારણે શસ્ત્રસંન્યાસનો માર્ગ કેવી રીતે સ્વીકાર્યો એનું નિરૂપણ છે. તો સંગ્રહની ચોથી વાર્તા ‘આત્મસમર્પણના અસ્થિ’ ભારતના એક સમયના મહાન પાટનગર પાટલિપુત્રની ઉત્પત્તિનો રસિક ઇતિહાસ નિરૂપે છે. મગધસમ્રાટ કોણિકના પુત્ર ઉદાયીએ આ નગરી કેવી રીતે વસાવી તેનો રસિક છતાં કરુણ ઇતિહાસ આપતી આ વાર્તામાં પરમ સેવાભાવી, વાત્સલ્યમૂર્તિ સાધ્વી પુષ્પચૂલાનું મૈત્રી, પ્રેમ અને કરુણાનું ચિત્ર સુંદર રીતે ઊપસ્યું છે.