પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્વર્ગદ્વારેથી હડસેલી યાતનાની ભઠ્ઠીમાં કેવી રીતે તપતા કરી મૂકે છે એ વર્ણવતી ‘નારી તું નારાયણી’ વાર્તામાં અંજનાના રૂપસૌંદર્ય અને શીલ તરફ મિત્રોની દ્વેષભરી વાતોને કારણે શંકિત બનેલ વાર્તાનાયક પવન, લગ્નની પહેલી જ રાતે એને ત્યજે છે. શંકાની આ આગમાં હિજરાતા, રીબાતા પવન સમક્ષ એક વખત અંજના આવીને ખુલાસો માગે છે ત્યારે જ તેને ખ્યાલ આવે છે કે પતિ પોતાના ચારિત્ર્ય તરફ શંકિત છે. પણ છેવટે સતીનું સત, પવિત્રતાનું પાવિત્ર્ય રંગ લાવે છે. અને અંતે પતિ-પત્ની એક બને છે. નારીને નારાયણી બનતાં પહેલાં કેવી કેવી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે ? નિરૂપતી આ વાર્તા નારીજીવનની દર્દ-કહાણીને જ વર્ણવે છે.

રાજસ્થાનની ધરતીની એક એવી રૂપરમણીની કથા ‘રૂઠી રાણી’ વાર્તામાં છે જેણે પોતાના માન-સ્વમાનને અખંડિત રખવા સંસારના સુખને, દામ્પત્યના આનંદને કાયમ માટે ત્યજ્યાં. જોધપુરના રાજા માલદેવની રાણી ઉમાદેને લગ્નની પહેલી રાત્રે જ પતિમાંની લંપટતાનો પરિચય થતાં પોતે દેહના પતિને ત્યજી આત્માના પતિને કઈ રીતે અને કેવી પૂજારણ બની એનું નિરૂપણ વાર્તામાં થયું છે. સ્ત્રી એ પુરુષને રમવા માટેનું રમકડું માત્ર નથી. જે પુરુષ એના સ્વમાનને ન રક્ષી શકે, સંયમ-શીલને પોતાના જીવનમાં ન ઉતારી શકે એવા પુરુષ સાથેનું સહજીવન એ સાચું લગ્ન નથી એ સૂચવતી આ વાર્તા સ્વસ્થ અને મક્કમ એવા નારીના શીલભર્યા વ્યક્તિત્વની પરિચાયક બને છે.

‘રજપૂત નારી’ જીવંત મોતને હાથમાં રમાડતી વીર રજપૂતાણીની કથા છે. નારીનું અહીં એક એવું ખમીરવંતુ નવલું રૂપ વાર્તાકારે ઉપસાવ્યું છે, જે સમાજમાં બહુ ઓછું જોવા મળે છે. રજપૂત નારીને વીરક્ષેત્રમાં રણહાક મારતી કે કેસરિયા કરતી કલ્પી છે, પણ અહીં રજપૂતાણીની શૂરવીરતાનું જે નમણું-ગરવું રૂપ લેખક દ્વારા નિરૂપાયું છે તે વિષય તરીકે નવીન છે. વાર્તાનું વસ્તુ ખૂબ ટૂંકું છે પણ જે રીતે ચિત્રાત્મક રૂપે લેખક દ્વારા એનું નિરૂપણ થયું છે એમાં જ એની ખરી ખૂબી રહી છે. ભાઈબહેન વાતો કરતાં બેઠાં છે. ઘણાં વર્ષે ભાઈ બહેનને આંગણે આવ્યો છે. ભૂતકાળની મીઠી વાતોની રસલ્હાણ વચ્ચે રજપૂતાણીએ અનુભવ્યું કે પોતાના ઘેરદાર ચણિયામાં સાપ ભરાયો છે. બીજી કોઈ સ્ત્રી હોય તો મૃત્યુને નજર સમક્ષ