પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દ્વારા જણાવે છે કે સ્ત્રી ફક્ત ત્રણ અવસ્થામાં સ્ત્રી હોય છે - એક માતાના રૂપમાં, બીજી પત્નીના ભાવમાં ને ત્રીજી માયારૂપેણ. બાકી સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ નથી.

ઉકરડા જેવા માનવીઓ દુનિયાને પણ ઉકરડો જ માનતા હોય છે. સ્વાર્થના ચશ્મા ચડાવી દુનિયાને નિરખનારાને ક્યાંય ગુલાબની સુગંધ આસ્વાદવા મળતી નથી. એવા માનવીઓને જ્યારે દુનિયાના ઉકરડામાં ગુલાબની સુગંધ માણવા મળે ત્યારે એમનું થતું હૃદયપરિવર્તન ‘ગુલાબનો ઉકરડો’ વાર્તાનો વિષય છે. પોતાના મિત્રના પુત્રો પિતાની મિલકતના સંદર્ભે એક નાનકડી વાતમાં ઝઘડીને કોર્ટકચેરીએ ખુવાર ના થઈ જાય એ માટે જાતે ઘસાઈને બે ભાઈઓની પ્રેમથી મીઠાશ, ઐક્ય જાળવી રાખનાર બુઝર્ગ ચતુરદાસ સંસારના ઉકરડાના સાચા ગુલાબ છે.

‘અજી’ એક એવી નારીની કહાણી છે જેનું સ્થાન સમાજની હીનકક્ષાની સ્ત્રીઓમાં મનાતું હતું. અજીજાન લખનઉની એક વેશ્યા હતી જેણે પોતાના દેશના રક્ષણાર્થે ત્યાગ અને સમર્પણની એક એવી મિશાલ ધરી કે જેને નીરખી સહજ રીતે જ આપણાથી બોલી જવાય કે મનની કેળવણી માનવીને કેટલી હદે મહાન બનાવે છે. જે સમયે લોભ અને લાલચે હિંદના મોટા મોટા માણસોને વેશ્યા જેવા બનાવી દીધા હતા ત્યારે અજીજાન જેવી એક વેશ્યા અંગ્રેજ બેડાની નાચનારી બની દેશકાજે જાસૂસીનું કામ કરે છે. પકડાય છે છતાં મોંનું તાળું ખોલતી નથી. ફાંસીને માંચડે ચડી જિંદગીની જાજમ સંકેલી લેતી આ નારીની ઉદાત્ત રાષ્ટ્રભાવના વાર્તામાં ઝાંઝરના ઝણકાર જેવી મનોહર રીતે નિરૂપાઈ છે.

દુનિયામાં ભરોસો, શ્રદ્ધા, વિશ્વાસ એ એવી ચીજ છે જે માણસના દિલમાં રહેલા રામને જગાડી માણસાઈનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. ‘ભરોસો’ વાર્તા એક યતિરાજના આવા સ્વાનુભાવને વર્ણવે છે જેમાં માણસખાઉ જાનવર જેવા માનવીને પનારે પડીને પણ તેઓ પ્રાણ તો બચાવી જ શકે છે. પણ સાથે સાથે માણસમાં મૂકેલા ભરોસાનું ઉજમાળું પરિણામ પણ અનુભવી શકે છે.

નરસિંહ જીવનના કેટલાક પ્રસંગોને આછા લસરકાને વર્ણવતી ‘શકટનો ભાર’ વાર્તા જીવનના ભારણ નીચે મિથ્યા અટવાતા માનવીને